
ભાવનગર,04 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર સ્થિત કોસ્મોસ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ ખાતે બેંકના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ગ્રાહકો માટે સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વર્તમાન સમયમાં વધી રહેલા સાયબર ગુનાઓ, ઓનલાઈન છેતરપિંડીના બનાવો અને તેનાથી બચવા માટે રાખવાની સાવચેતી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ડિજિટલ બેંકિંગના વધતા ઉપયોગ સાથે ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓમાં પણ વધારો થઈ રહ્યો હોવાની બાબતને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવા સમજાવવામાં આવ્યા હતા. ખાસ કરીને અજાણી લિંક પર ક્લિક ન કરવું, અજાણ્યા વ્યક્તિ સાથે બેંકની ગુપ્ત માહિતી શેર ન કરવી, OTP, ATM પિન, પાસવર્ડ અને બેંકિંગ વિગતો કોઈને પણ ન આપવી તેમજ શંકાસ્પદ ફોન કોલ અને મેસેજથી સાવચેત રહેવા અંગે સમજ આપવામાં આવી હતી.
આ ઉપરાંત સોશિયલ મીડિયાનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા, અજાણ્યા વ્યક્તિઓની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારતા પહેલાં તકેદારી રાખવા, વ્યક્તિગત માહિતી અને ફોટા શેર કરવામાં સાવચેતી રાખવા તેમજ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સિક્યોરિટી અને પ્રાઇવસી સેટિંગ્સ યોગ્ય રીતે રાખવા અંગે માર્ગદર્શન અપાયું હતું.
કાર્યક્રમનો મુખ્ય હેતુ બેંકના અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રાહકોમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ વધારવાનો તેમજ ડિજિટલ વ્યવહારોને વધુ સુરક્ષિત બનાવવાનો રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA