
જામનગર, 04 નવેમ્બર (હિ.સ.) : દિવાળીના તહેવારો દરમિયાન જામનગર શહેરના સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરતી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ પર હુમલો થવાની ઘટના સામે આવી છે. દીપક ટોકીઝથી શાક માર્કેટ તરફના માર્ગ પર રેકડીધારકોના દબાણને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાથી પાલિકાની ટીમ કામગીરી કરી રહી હતી. આ દરમિયાન લંઘાવાડના ઢાળિયા પાસે આઉટસોર્સ કર્મચારી કિશન ગોહીલ રસ્તા પર રાખેલી રેકડી ટ્રેક્ટરમાં ભરવા જતાં રેકડીધારક અબુમીયા કાદરીએ તેમની સાથે બોલાચાલી અને ઝપાઝપી શરૂ કરી દીધી હતી.
ઝપાઝપી અને જાનથી મારી નાખવાની ધમકી બાદ પોલીસ તપાસ શરૂ
આ બોલાચાલી દરમિયાન સ્થિતિ વધુ વણસી હતી અને અબુમીયા કાદરી સાથે જોડાયેલા અન્ય બે શખ્સોએ કિશન ગોહીલ પર હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. એક શખ્સે કર્મચારીના વાળ ખેંચીને માર મારતા અન્ય સ્ટાફે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. આ ઘટના દરમિયાન આરોપી અબુમીયાએ ભવિષ્યમાં રેકડી ઉપાડવા આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટના બાદ ઇજાગ્રસ્ત કર્મચારીએ પ્રાથમિક સારવાર મેળવી હતી અને એસ્ટેટ ઓફિસર કમલેશ ગોવિંદ ગઢવીની ફરિયાદના આધારે પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અગાઉ પણ દબાણ હટાવ કામગીરી દરમિયાન કર્મચારીઓ પર થયો હતો હુમલો
જામનગરમાં દબાણ શાખાના કર્મચારીઓ પર હુમલો થયો હોય તેવી આ પ્રથમ ઘટના નથી. આ પૂર્વે ૨૩ જૂનના રોજ અંબર ચોકડી નજીક નવા બ્રિજ નીચે દબાણ દૂર કરતી વખતે પણ કર્મચારીઓ પર મરચાંનો સ્પ્રે છાંટીને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તે હુમલામાં પાલિકાના ચાર કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા અને પોલીસે તે સમયે આઠ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે પાલિકાના કર્મચારીઓમાં સુરક્ષાને લઈને ચિંતા જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt