
ભાવનગર 4 નવેમ્બર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં સલામતી, સ્વચ્છતા અને સારી જાળવણીને પ્રાથમિકતા આપતાં ભાવનગર–ધોલા સેક્શનમાં આવેલા એલ.સી. ગેટ નંબર 203નું વરિષ્ઠ મંડળ એન્જિનિયર (જનરલ) ડી. એસ. યાદવ અને વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી દ્વારા સંયુક્ત રીતે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સહાયક મંડળ એન્જિનિયર, ધોલા તથા વરિષ્ઠ સેક્શન એન્જિનિયર (પી.-વે) પણ ઉપસ્થિત રહ્યા હતા.
નિરીક્ષણ દરમિયાન એલ.સી. ગેટની સમગ્ર સ્થિતિ અત્યંત સારી અને વ્યવસ્થિત જોવા મળી હતી. ગેટ પરિસરમાં સ્વચ્છતા, વિવિધ ભાગોમાં કરવામાં આવેલું આકર્ષક રંગરોગન તથા આસપાસ લગાવવામાં આવેલા ફૂલોના છોડે પરિસરની સુંદરતામાં વધારો કર્યો હતો. આ ઉપરાંત, ગેટ પર ઉપલબ્ધ તમામ જરૂરી રેકોર્ડ અને ડેટા, જેમાં PME તથા રિફ્રેશર કોર્સ સંબંધિત વિગતોનો પણ સમાવેશ થાય છે, તે વ્યવસ્થિત અને અદ્યતન સ્થિતિમાં જોવા મળ્યા હતા.
નિરીક્ષણ દરમિયાન વિક્રમસિંહ એન. સરવૈયા, વરિષ્ઠ સેક્શન એન્જિનિયર (પી.-વે), ભાવનગર દ્વારા તૈયાર કરવામાં આવેલા ઉત્તમ ઇક્વિપમેન્ટ બોર્ડ અને સેફ્ટી સાઇન બોર્ડની વિશેષ પ્રશંસા કરવામાં આવી હતી. અધિકારીઓએ આ પહેલને સલામતી સંબંધિત માહિતી વ્યવસ્થિત અને સરળતાથી ઉપલબ્ધ કરાવવાની દિશામાં એક પ્રશંસનીય પ્રયાસ ગણાવ્યો હતો. સાથે જ, આ પ્રકારનાં ઇક્વિપમેન્ટ બોર્ડ ભાવનગર મંડળના તમામ એલ.સી. ગેટ પર ઉપલબ્ધ કરાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
મંડળ રેલ પ્રબંધક, ભાવનગર દિનેશ વર્માએ એલ.સી. ગેટ નંબર 203 પર કરવામાં આવેલી ઉત્તમ જાળવણી, સ્વચ્છતા અને સલામતી સંબંધિત વ્યવસ્થાઓની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, આ પ્રકારની પહેલ અન્ય રેલવે કર્મચારીઓ માટે પણ પ્રેરણારૂપ છે. તેમણે મંડળમાં સલામતી, સ્વચ્છતા અને કાર્યસ્થળોની સારી જાળવણી માટે સતત પ્રયાસો ચાલુ રાખવા પર ભાર મૂક્યો હતો.
ભાવનગર મંડળ મુસાફરોની સુરક્ષા અને સરળ રેલવે સંચાલન સાથે રેલવે પરિસરમાં સ્વચ્છતા, સુવ્યવસ્થિત જાળવણી તથા સલામતીના ઉચ્ચ માપદંડો જાળવી રાખવા માટે સતત પ્રતિબદ્ધ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ