
સુરત, 04 નવેમ્બર (હિ.સ.) : સુરતના કતારગામ વિસ્તારમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોટાલાવાડી ચાર રસ્તા નજીક આવેલા ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી એક યુવકનું માથા વગરનું નગ્ન ધડ મળી આવતાં પોલીસ દોડતી થઈ હતી. તપાસ દરમિયાન મૃતકની ઓળખ અમરોલીમાં રહેતા 30 વર્ષીય સંજય તરીકે થઈ હતી. પોલીસે આ મામલે તેના સાથે કામ કરતા મિત્ર સચિત્રકુમાર નરેન્દ્ર બાલની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં બંને વચ્ચે ₹30 હજારની લેતીદેતીને લઈને વિવાદ હોવાનું સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ સંજયને પોતાના ઘરે બોલાવી તેના હાથ બાંધી દીધા હતા અને ત્યારબાદ મટન કાપવાના કોયતાથી તેની હત્યા કરી હતી. હત્યા બાદ મૃતકનું માથું ધડથી અલગ કરી દીધું હતું. ત્યારબાદ ઓળખ છુપાવવાના પ્રયાસરૂપે ધડને પોતાના ઘરથી આશરે 150 મીટર દૂર આવેલા ખ્રિસ્તી કબ્રસ્તાનમાં ફેંકી દીધું હતું. જ્યારે કપાયેલું માથું કતારગામના અલકાપુરી બ્રિજ નીચેથી પસાર થતી રેલવે લાઇન પાસે ફેંકી દીધું હતું.
3 નવેમ્બરની રાત્રે પોલીસને કબ્રસ્તાનમાં મૃતદેહ હોવાની જાણ થતાં ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસ અને બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ માથું રેલવે ટ્રેક નજીક ફેંક્યું હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ પોલીસ તેને ઘટનાસ્થળે લઈ ગઈ હતી, જ્યાંથી મૃતકનું માથું કબજે કરવામાં આવ્યું હતું. હાલ પોલીસે બંને અવશેષોને પોસ્ટમોર્ટમ અને જરૂરી ફોરેન્સિક તપાસ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે