કોંગ્રેસે ઉત્તરાખંડમાં સરકારી જમીન અને વારસાને, ખાનગી હાથોમાં સોંપવાનો આરોપ લગાવ્યો
નવી દિલ્હી, 04 નવેમ્બર (હિ.સ.). કોંગ્રેસે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પર, રાજ્યની સરકારી જમીન અને ઐતિહાસિક વારસાને ખાનગી કંપનીઓના હાથમાં સોંપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, રાજ્યના 13 માંથી 12 જિલ્લાઓમાં 40 સરકારી જમીન અને ઐતિહા
પત્રકાર પરિષદમાં કોંગ્રેસ મહાસચિવ અને ઉત્તરાખંડના પ્રભારી કુમારી શૈલજા


નવી દિલ્હી, 04 નવેમ્બર (હિ.સ.). કોંગ્રેસે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પર, રાજ્યની સરકારી જમીન અને ઐતિહાસિક વારસાને ખાનગી કંપનીઓના હાથમાં સોંપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, રાજ્યના 13 માંથી 12 જિલ્લાઓમાં 40 સરકારી જમીન અને ઐતિહાસિક સંપત્તિઓને ખાનગી હાથોમાં આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેમનું બજાર મૂલ્ય ઓછામાં ઓછું એક લાખ કરોડ રૂપિયા છે. કોંગ્રેસે તેના વિરોધમાં બુધવારે રાજ્યભરમાં ‘ભૂમિ બચાવો-ધામી હટાવો’ અભિયાન શરૂ કર્યું છે.

કોંગ્રેસ મહાસચિવ અને ઉત્તરાખંડના પ્રભારી કુમારી શૈલજાએ, બુધવારે અહીં પાર્ટી મુખ્યાલયમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી ધામીએ સરકારી જમીન અને સંપત્તિઓને ખાનગી હાથોમાં સોંપવાનો અંતિમ અધિકાર પોતાની પાસે રાખ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે જાન્યુઆરી 2025 અને નવેમ્બર 2025 માં મુખ્યમંત્રીની મંજૂરીથી સરકારી વિભાગોની આશરે 1,080 એકર જમીન હોટેલ અને રોકાણના નામે ખાનગી ઉપયોગ માટે આપવાનો માર્ગ મોકળો થયો.

તેમણે નૈનીતાલના પટવાડાંગરનું ઉદાહરણ આપતા આરોપ લગાવ્યો કે, 108 એકર જમીનની માલિકી અંગે સરકારી દસ્તાવેજોમાં સ્થિતિ સ્પષ્ટ નહોતી. તેમ છતાં, આ જમીનના 13.64 એકર હિસ્સાને 90 વર્ષ માટે આપવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. તેનું અનામત મૂલ્ય 37.80 કરોડ રૂપિયા અને વાર્ષિક ભાડું પાંચ રૂપિયા પ્રતિ ચોરસ મીટર રાખવામાં આવ્યું છે. હરિદ્વારના અલકનંદા હોટેલ અને ઋષિકેશના નિરીક્ષણ ભવન સહિત બ્રિટિશકાળના અન્ય 24 નિરીક્ષણ ભવનોને પણ ખાનગી કંપનીઓને આપવાની તૈયારી છે.

શૈલજાએ આરોપ લગાવ્યો કે, ડિસેમ્બર 2022 માં મંત્રીમંડળે સરકારી જમીન પર અંતિમ અધિકાર મુખ્યમંત્રીને આપવા અને સંપત્તિઓના મુદ્રીકરણ માટે ઉત્તરાખંડ રોકાણ અને માળખાકીય વિકાસ બોર્ડ (યુઆઈઆઈડીબી) ગઠિત કરવાનો નિર્ણય કર્યો હતો. તેમણે કહ્યું કે યુઆઈઆઈડીબી અધિનિયમ હેઠળ સંપત્તિઓના મુદ્રીકરણ માટે રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગની મંજૂરી જરૂરી છે, પરંતુ વિભાગીય મંત્રીઓની સહમતિ વિના નિર્ણયો લેવામાં આવ્યા.

તેમણે મસૂરીના જ્યોર્જ એવરેસ્ટ એસ્ટેટનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 142 એકર જમીન અને વારસાગત સંપત્તિને 15 વર્ષ માટે એક ખાનગી કંપનીને આશરે એક કરોડ રૂપિયા વાર્ષિક ભાડા પર આપવામાં આવી. કોંગ્રેસે પહેલા પણ આ મામલો ઉઠાવ્યો હતો અને રાજ્યની જમીન તથા ઓળખ બચાવવા માટે સંઘર્ષ ચાલુ રાખશે.

શૈલજાએ કહ્યું કે, પાર્ટીના વરિષ્ઠ નેતાઓ રાજ્યપાલને મળીને મુખ્યમંત્રીના નિર્ણયોને રદ કરવાની માંગ કરશે. ગેરસૈણમાં મશાલ સરઘસ કાઢવામાં આવશે. જો માંગણીઓ માનવામાં નહીં આવે તો કોંગ્રેસ ઉચ્ચ ન્યાયાલયનો સંપર્ક કરશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande