
ભાવનગર, 04 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે અશ્વપાલકોના હિતાર્થે અશ્વો અને ગદર્ભો માટે નિઃશુલ્ક આરોગ્ય નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢ તથા પશુપાલન શાખા, જિલ્લા પંચાયત, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે 3 નવેમ્બરના રોજ સરવૈયા નગર, તળેટી ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેમ્પનું ઉદ્ઘાટન ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ સરવૈયા તથા કિરીટસિંહ સરવૈયા ઉપસ્થિત રહ્યા હતા.
કેમ્પમાં અશ્વો અને ગદર્ભોની આરોગ્ય તપાસ, વિવિધ રોગોનું નિદાન, જરૂરી સારવાર, કૃમિનાશક દવાઓ, રસીકરણ, લોહીની તપાસ, ચામડીના રોગો, આંખોની તપાસ તેમજ ખરી અને લંગડાપણાની સમસ્યાઓ અંગે નિષ્ણાત તબીબોએ માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત ગર્ભાવસ્થા, પ્રજનન સંબંધિત સમસ્યાઓ અને પશુઓના ખોરાક વ્યવસ્થાપન અંગે પણ સમજ આપવામાં આવી હતી.
આ કેમ્પમાં કુલ ૧૩૨ અશ્વો અને ૧૦૫ ગદર્ભો મળી ૨૩૭ પશુઓની તપાસ કરી જરૂરી સારવાર અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
કેમ્પમાં જૂનાગઢની અરિહમ ટ્રસ્ટ દ્વારા જરૂરી દવાઓ તેમજ પોર્ટેબલ એક્સ-રેની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. વેટરનરી કોલેજના નિષ્ણાત પશુચિકિત્સકો અને જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગની ટીમે સેવાઓ આપી હતી.
કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. પી. એચ. ટાંક અને વેટરનરી કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. એમ. ડી. ઓડેદરાએ આ સેવાકીય આયોજનને બિરદાવ્યું હતું. ગ્રામ્ય અને આર્થિક રીતે નબળા અશ્વપાલકોને સ્થાનિક સ્તરે નિષ્ણાત પશુચિકિત્સા સેવાઓ મળી રહે તે હેતુથી યોજાયેલો આ કેમ્પ ઉપયોગી સાબિત થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA