ઘઉંના ઊભા પાકમાં સંકલિત રોગ જીવાત વ્યવસ્થાપનના પગલાં જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે માર્ગદર્શન
જૂનાગઢ, 04 નવેમ્બર (હિ.સ.) : ઘઉંના ઊભા પાકમાં સંકલિત રોગ જીવાત વ્યવસ્થાપન માટે જિલ્લા ખેતીવાડી ગીર સોમનાથ તરફથી લેવાના પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ માર્ગદર્શન હેઠળ ચોમાસું પાકની કાપણી પછી ૨થી ૩ ખેડ કરી જડીયા તેમજ મૂળિયાં વીણી દુર કરી
ઘઉંના ઊભા પાકમાં સંકલિત રોગ જીવાત વ્યવસ્થાપનના પગલાં જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે માર્ગદર્શન


જૂનાગઢ, 04 નવેમ્બર (હિ.સ.) : ઘઉંના ઊભા પાકમાં સંકલિત રોગ જીવાત વ્યવસ્થાપન માટે જિલ્લા ખેતીવાડી ગીર સોમનાથ તરફથી લેવાના પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

આ માર્ગદર્શન હેઠળ ચોમાસું પાકની કાપણી પછી ૨થી ૩ ખેડ કરી જડીયા તેમજ મૂળિયાં વીણી દુર કરી, સમાર મારી જમીનને સમતળ કરવી. જમીન ભાસ્મિક હોય તો હેકટર દીઠ-૧ ટન ચીરોડી (જીપ્સમ) ચોમાસા પહેલા આપવું.

ઉધઈનો ઉપદ્રવ ઘટાડવા અગાઉના પાકના અવશેષો, પાંદડાં, મૂળ, ડાળીઓનો બાળીને નાશ કરવો. સારુ કોહવાયેલું છાણિયું ખાતર વાપરવું. ખાતર તરીકે દિવેલા, લીંબોળી, કરંજ વગેરેના ખોળનો ઉપયોગ કરવો.

ઘઉંની ગેરૂ રોગ પ્રતિકારક જાતો જેવી કે જી.ડબલ્યુ-૪૯૬, જી.ડબલ્યુ-૧૯૦, જી.ડબલ્યુ-૩રર, જી.ડબલ્યુ-૨૭૩, જી.ડબલ્યુ૧૫૫૫ અને જી.ડબબ્લ્યુ-૧૧૩૯ ની વાવણી માટે પસંદગી કરવી.

ઘઉંના પાકમાં ઉધઈનું ઓછા ખર્ચે અસરકારક નિયંત્રણ બીજને દવાનો પટ આપવા માટે વાવણીની આગલી રાત્રે ૧૦૦ કિ.ગ્રા. બિયારણ દીઠ બાયફેથીન ૧૦ ઈસી ૨૦૦ મિ.લિ. અથવા ફીપ્રોનીલ ૫ એસસી ૬૦૦ મિ.લિ. અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૪૦૦ મિ.લિ. ૫ લિટર પાણીમાં મિશ્રણ કરી બિયારણને પાકા ભોંયતળિયા અથવા પ્લાસ્ટિકના પાથરણામાં એક્સરખી રીતે પાથરી તેના ઉપર દવાનું મિશ્રણ એકસરખી રીતે છાંટી હાથ-મોજા પહેરી બિયારણને દવાથી બરાબર મોઈ નાખી આવી માવજત આપેલ બિયારણને આખી રાત સૂકવીને જ બીજા દિવસે વાવણી કરવી.

સારું ઉત્પાદન મેળવવા માટે ખેડૂતોએ સૌથી પહેલા ફૂગનાશક ત્યારબાદ કીટનાશક અને અંતમાં જૈવિકખાતરનો પટ આપ્યા બાદ બીજની વાવણી કરવી. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવે છે.

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક (તાલીમ) નો સંપર્ક કરવો. એમ જિલ્લા ખેતીવાડી અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande