
અક્ષર શ્યામલ વિહાર સોસાયટીમાં રહેતા પૂનમ ગીનોયાએ ડો.દલસુખ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને ત્રાસ અંગે ફરિયાદ નોંધાવી
રાજકોટ, 04 નવેમ્બર (હિ.સ.) : રાજકોટના સત્ય સાંઈ હોસ્પિટલ રોડ પર આવેલી અક્ષર શ્યામલ વિહાર સોસાયટીમાં રહેતી મહિલા પુનમબેન ગીનોયાએ તેના તબીબ પતિ દલસુખભાઈ ગીનોયા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં શારીરિક-માનસિક ત્રાસ આપવા અને રૂ. ૧.૩૪ કરોડની કિંમતનું સ્ત્રીધન પરત ન આપી છેતરપિંડી આચરવા અંગે ગુનો નોંધાવ્યો છે. લગ્નના ૨૧ વર્ષ બાદ તબીબ પતિએ પત્નીને કાવતરું રચી ઘરમાંથી કાઢી મૂકી દાગીના ઓળવી લીધાનો આક્ષેપ કરાયો છે.
રાજકોટમાં રહેતી પુનમબેનના લગ્ન ૨૧ વર્ષ અગાઉ દલસુખભાઈ ગીનોયા સાથે સમાજના રીત-રિવાજ મુજબ થયા હતા અને સંતાનમાં એક દીકરો તથા એક દીકરી છે. લગ્ન સમયે પિયર પક્ષ તરફથી મહિલાને ૮૮૦ ગ્રામ સોનાના દાગીના અને ૩૨૦ ગ્રામથી વધુ ચાંદીના દાગીના સ્ત્રીધન તરીકે મળ્યા હતા. આ તમામ કિંમતી ઘરેણાં મવડી રોડ પર આવેલી કો-ઓપરેટિવ બેંકના સંયુક્ત લોકરમાં રાખવામાં આવ્યા હતા, જે લોકરની ચાવી પતિ પાસે છે. લગ્ન બાદ પતિ અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપી મારકૂટ કરતો હતો.
ફેબ્રુઆરી ૨૦૨૪માં પતિએ પત્નીને બહાનું બતાવી ઘરની બહાર મોકલી દીધી હતી અને પાછળથી ઘરમાં પ્રવેશવા દીધી ન હતી. ૧૮૧ મહિલા હેલ્પલાઇન અને પોલીસની મદદથી મહિલા ઘરે પરત ફરી ત્યારે કબાટ તૂટેલી હાલતમાં હતો અને તેમાંથી રૂ. ૩,૫૨,૦૦૦ની રોકડ તથા કિંમતી જ્વેલરી ગાયબ હતી. આ સમયગાળા દરમિયાન પતિએ કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી દીધી હતી. કોર્ટમાં સમાધાન માટેની મુદતો પડવા છતાં પતિ સાથે રાખવા તૈયાર થયો ન હતો, જેથી મહિલાએ સ્ત્રીધનની માંગણી કરી હતી.
વર્તમાન બજાર કિંમત અને જીએસટી સહિત ૮૮૦ ગ્રામ સોનાના દાગીનાની કિંમત રૂ. ૧,૩૩,૪૨,૨૦૮ અને ચાંદીના દાગીનાની કિંમત રૂ. ૭૫,૦૦૦ થાય છે. વારંવાર માંગણી કરવા છતાં આ સ્ત્રીધન પરત ન આપી પતિએ છેતરપિંડી આચરી હોવાથી આખરે ગઈકાલે મંગળવારે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવ અંગે રાજકોટ મહિલા પોલીસે દલસુખભાઈ ગીનોયા સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૮૫, ૧૧૫(૨) અને ૩૧૬(૨) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt