
મનપા ફાયર વિભાગ દ્વારા તમામ અરજીઓની ઝીણવટભરી તપાસ કરાઈ : હજુ 67 અરજીઓ પેન્ડીંગ : નાના વેપારીઓની સુવિધા માટે ધનતેરસ સુધી નવી અરજીઓ પણ સ્વીકારવામાં આવશે
રાજકોટ, 04 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ફટાકડાના વેપાર માટેની પરવાનગી આપવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. શહેરના વિવિધ ફાયર સ્ટેશનો પર અત્યાર સુધીમાં કુલ 373 અરજીઓ મળી છે. ફાયર વિભાગની ક્ષેત્રીય ટીમો દ્વારા સ્થળ તપાસ કરીને સુરક્ષા ધોરણોની ચકાસણી કરવામાં આવી રહી છે. જેમાંથી 299 સ્થળો માટે સાનુકૂળ અભિપ્રાય આપવામાં આવ્યો છે, જ્યારે સુરક્ષા નિયમોનું પાલન ન થવા બદલ 7 અરજીઓ નકારી કાઢવામાં આવી છે. બાકી રહેલી 67 અરજીઓ પર હાલ સ્થળ તપાસની કામગીરી ચાલુ છે. નાના વેપારીઓની સુવિધા માટે ધનતેરસ સુધી નવી અરજીઓ પણ સ્વીકારવામાં આવશે.
અસ્થાયી ફટાકડા સ્ટોલ ધારકો માટે ફાયર સેફ્ટીના ચોક્કસ નિયમો અમલી બનાવવામાં આવ્યા છે. 500 ચોરસ મીટર સુધીની જગ્યામાં વેપાર કરવા માટે ફાયર એન.ઓ.સી.ની જરૂર નથી, પરંતુ ફાયર વિભાગનો પ્રાથમિક અભિપ્રાય લેવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આ અભિપ્રાય મળ્યા બાદ જ પોલીસ તંત્ર દ્વારા વેચાણ માટેની અંતિમ મંજૂરી આપવામાં આવે છે. વેપારીઓએ બેઝિક સુરક્ષા સાધનો વસાવવા અને તેનો યોગ્ય ઉપયોગ કરવાની ક્ષમતા દર્શાવવી અનિવાર્ય રહે છે.
વેચાણ સ્થળ કે સ્ટોલ પર આગ પર કાબૂ મેળવવા માટે 1,000 લીટર ક્ષમતાની પાણીની ટાંકી અથવા હોઝ રીલ રાખવી ફરજિયાત છે. આ ઉપરાંત સી.ઓ.ટૂ. અને એ.બી.સી. પ્રકારના ફાયર એક્સટિંગ્વિશર તેમજ ફાયર મોડ્યુલ જેવા સલામતીના સાધનો તૈનાત કરવાના રહેશે. ફાયર ટીમ સ્થળ તપાસ દરમિયાન આ સાધનો ઉપલબ્ધ છે કે નહીં અને વેપારીને તેનો ઉપયોગ કરતા આવડે છે કે નહીં તેની રૂબરૂ ચકાસણી કર્યા બાદ જ અભિપ્રાય જારી કરે છે.
શહેરના વિવિધ આઠ ફાયર સ્ટેશનો ખાતે અરજીઓની પ્રક્રિયા ચાલી રહી છે. જે અંતર્ગત રામાપીર ફાયર સ્ટેશનમાં 46 અરજીઓમાંથી 39 ઇશ્યુ, કોઠારીયામાં 27માંથી 24, મવડીમાં 59માંથી 52, રેલનગરમાં 27માંથી 21, ઇઆરસીમાં 51માંથી 45, કનક રોડ પર 43માંથી 38, કાલાવડ રોડ પર 59માંથી 37 અને બેડીપરા ખાતે 61માંથી 43 અરજીઓ ઇશ્યુ કરવામાં આવી છે. કાલાવડ રોડ અને બેડીપરા વિસ્તારમાં સૌથી વધુ અનુક્રમે 22 અને 18 અરજીઓ સ્થળ તપાસ માટે પેન્ડિંગ છે.
નિયમોનું ઉલ્લંઘન જણાતા રામાપીર ફાયર સ્ટેશન ખાતેથી 5 અને રેલનગર ફાયર સ્ટેશન ખાતેથી 2 અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે. તહેવારો દરમિયાન કોઈ અકસ્માત કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. દરેક સ્થળની ઝીણવટભરી તપાસ કરીને સુરક્ષાના તમામ માપદંડો પૂર્ણ થાય ત્યારબાદ જ આગળની મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt