
- તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ સ્ટેશનોના કાફલા દ્વારા વિસ્તાર ચેકિંગ.
રાજકોટ, 04 નવેમ્બર (હિ.સ.) :
દિવાળીના તહેવારોને અનુલક્ષીને રાજકોટ શહેરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનાવવા પોલીસ વિભાગ દ્વારા તકેદારીના પગલાં રૂપે સઘન ફુટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. તહેવારો દરમિયાન સામાન્ય નાગરિકો સુરક્ષિત વાતાવરણમાં ઉજવણી કરી શકે અને અનિચ્છનીય બનાવો અટકે તે હેતુથી ડીસીપી ઝોન-૧ના નેતૃત્વ હેઠળ સામાકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કાફલા સાથે રૂટ માર્ચ યોજી સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી.
પોલીસ કામગીરીની વિગતો મુજબ ભક્તિનગર, આજીડેમ, થોરાળા, બી-ડિવિઝન તેમજ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાપક ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં આજીડેમ વિસ્તારના સાંઈબાબા સર્કલ, રોલેક્સ રોડ, સરદાર ચોક અને હુડકો ચોકડી તેમજ ભક્તિનગર હેઠળના જંગલેશ્વર અને 80 ફૂટ રોડ પર જવાનો જોડાયા હતા. આ ઉપરાંત થોરાળાના માટેલ ચોક, અમન ગેટ, ચુનારાવાડ ચોક, ભાવનગર રોડ અને બી-ડિવિઝન હસ્તકના સંત કબીર રોડ, પારેવડી ચોક, ગ્રીનલેન્ડ ચોકડી અને નવાગામ કુવાડવા વિસ્તારને સાંકળી લેવાયા હતા.
પોલીસના ઉચ્ચ અધિકારીઓ, પીઆઈ, પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓએ સાથે રહી હાથ ધરેલી આ કાર્યવાહીથી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જો પોલીસ વિભાગ દ્વારા આ પ્રકારનું સઘન પેટ્રોલિંગ આગામી સમયમાં પણ સતત ચાલુ રાખવામાં આવે તો વિસ્તારમાં ગુનાખોરી પર અંકુશ મેળવી શકાશે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt