
મનપા કર્મચારી પર થયેલા હુમલા બાદ તંત્ર કડક બન્યું, શાક માર્કેટથી માંડવી ટાવર વિસ્તારમાં કાર્યવાહી
જામનગર, 04 નવેમ્બર (હિ.સ.) : જામનગરમાં દિવાળીના તહેવાર ટાણે મુખ્ય બજારોમાં ટ્રાફિક અને દબાણની સમસ્યા વકરતા મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ મોટો સપાટો બોલાવ્યો છે. ગઈકાલે મનપાના કર્મચારી પર થયેલા હુમલાના બનાવ બાદ તંત્રએ કડક વલણ અપનાવી શાક માર્કેટથી માંડવી ટાવર સુધીના રસ્તાઓ પરથી અડચણરૂપ દબાણો દૂર કરવાની વ્યાપક ઝુંબેશ હાથ ધરી છે.
દિવાળીના લીધે દીપક ટોકીઝથી સુભાષ માર્કેટ તેમજ બર્ધન ચોકથી માંડવી ટાવર સુધી ખરીદી માટે ભીડ જામી રહી છે. આ વિસ્તારોમાં રેકડીઓ અને પથારા પાથરીને વેપાર કરતા ધંધાર્થીઓને કારણે રસ્તાઓ સાંકડા થઈ જતા વાહનવ્યવહાર ખોરવાતો હતો. આ પરિસ્થિતિને ધ્યાને લઈ મનપાના દબાણ હટાવ નિરીક્ષક ધર્મેન્દ્રસિંહ જાડેજા અને યુવરાજસિંહ ઝાલાની આગેવાની હેઠળ ૩૫થી વધુ કર્મચારીઓની ટીમે વહેલી સવારથી જ સમગ્ર વિસ્તારને આવરી લઈને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.
આ ઝુંબેશ દરમિયાન રસ્તા પર મુકાયેલી ૧૩થી વધુ રેકડીઓ, એક કેબિન, પૂતળાં, શાકભાજીના કેરેટ, છત્રી અને કાંટા સહિતનો સામાન જપ્ત કરાયો હતો. આ જપ્ત કરાયેલી તમામ સામગ્રી બે મોટા ટ્રેક્ટરોમાં ભરીને મહાનગરપાલિકા કચેરી ખાતે જમા કરાવવામાં આવી હતી. તહેવારના સમયે જ મનપા દ્વારા લેવાયેલા કડક પગલાના કારણે અડચણરૂપ વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી, જ્યારે હુમલાના બનાવ પછીની આ સખત કાર્યવાહી બજાર વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt