સુરત જિલ્લામાં તા.11 થી તા.18મી નવેમ્બર દરમિયાન ‘જનજાતિય ગૌરવ સપ્તાહ’ની ભવ્ય ઉજવણી કરાશે
સુરત, 04 નવેમ્બર (હિ.સ.): સુરત જિલ્લામાં તા.11મી નવેમ્બર- ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિના ભાગરૂપે ‘જનજાતિય ગૌરવ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવનાર છે, જેના આયોજન અર્થે જિલ્લા કલેકટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક મળી હતી. આ બેઠ
Janjatiya Gaurav Saptah


સુરત, 04 નવેમ્બર (હિ.સ.): સુરત જિલ્લામાં તા.11મી નવેમ્બર- ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિના ભાગરૂપે ‘જનજાતિય ગૌરવ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવનાર છે, જેના આયોજન અર્થે જિલ્લા કલેકટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક મળી હતી. આ બેઠકમાં સમગ્ર જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરી ઉજવણીના સુચારુ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિના ભાગરૂપે તા.11/11/2026 થી તા.18/11/2026 દરમિયાન સમગ્ર જિલ્લામાં ‘જનજાતિય ગૌરવ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવશે, જેના અનુસંધાને જનજાતિય સંસ્કૃતિ, ગૌરવ અને વિકાસને ઉજાગર કરતા વિવિધ ભવ્ય કાર્યક્રમો યોજાશે.

તા.13મીના રોજ માંડવી, માંગરોળ અને ઉમરપાડા ખાતે આદિવાસી યુવાનો માટે વિશેષ ‘યુવા સંમેલન’ યોજાશે. તા.14 નવે.ના રોજ જનજાતિય સમુદાયના મહાન નેતા ભગવાન બિરસા મુંડા તેમજ અન્ય જનજાતિય નેતાઓની પ્રતિમાઓની સાફ-સફાઈ, સ્થાનિક સંતો-મહાત્માઓ અને સાધુ-સંતોના ઘરે જઈને પુષ્પહાર અર્પણ કરવામાં આવશે. સાંજના સમયે સુરત જિલ્લાની 3 જનજાતિય વિધાનસભા બેઠકો (માંડવી, માંગરોળ, મહુવા) અંતર્ગત આવતી દરેક ગ્રામ પંચાયતમાં ભગવાન બિરસા મુંડાના ફોટોગ્રાફ સમક્ષ દીપ પ્રાગટ્ય, આરતી અને ‘ઇતિહાસ પઠન’ નો કાર્યક્રમ યોજાશે.

તા.15મીએ ‘જનજાતિય ગૌરવ દિવસ’ મહોત્સવ યોજાશે. સુરત જિલ્લામાં આદિજાતિ બહુલ વસ્તી ધરાવતા માંડવી, માંગરોળ, મહુવામાં મુખ્ય કાર્યક્રમો યોજાશે. જયારે બારડોલી, ઓલપાડ, ચોર્યાસી ખાતે કાર્યક્રમો યોજાશે.

તા.16મીના રોજ પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાશે. તા.17મીએ પારંપરિક જનજાતિય રમતો અંગે સ્પર્ધાત્મક કાર્યક્રમો યોજાશે. વિજેતા સ્પર્ધકોના ઉત્સાહવર્ધન માટે શિલ્ડ અને રોકડ ઇનામ વિતરણ કરાશે. તા.18મીના રોજ મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે મહિલા સંમેલનો યોજાશે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ ‘જનજાતિય ગૌરવ સપ્તાહ’ની ઉજવણીને સફળ બનાવવા માટે જિલ્લા કલેકટરે તમામ અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્રપ્રકાશ મીના, માંડવી પ્રાયોજના વહીવટદાર ગઢવી, પ્રાંત અધિકારીઓ, માર્ગ અને મકાન, આદિજાતિ વિકાસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande