
જૂનાગઢ 04 નવેમ્બર (હિ.સ.) : જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (વાસ્મો)ની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં પીવાના શુદ્ધ પાણીની ઉપલબ્ધતા, પાણી વિતરણ વ્યવસ્થા, સ્વચ્છતા, જળ માળખાંની જાળવણી તેમજ વિવિધ યોજનાઓના અમલીકરણની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં જણાવ્યા અનુસાર, માંગરોળ તાલુકાના ઝરીયાવાડા ખાતે ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરી અંતિમ ચુકવણી કરવામાં આવી છે અને ઓડિટ પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે. પાણી વિતરણની કામગીરી સાથે સંકળાયેલા ૫૦૬ ઓપરેટરો પૈકી ૧૪૯ ઓપરેટરોને તાલીમ આપવામાં આવી છે.
પાણી પુરવઠા વિભાગની હેલ્પલાઇન પર ઓક્ટોબર-૨૦૨૬ દરમિયાન જિલ્લામાંથી પ્રાપ્ત થયેલી કુલ ૨૦ ફરિયાદોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, જિલ્લાના ૧૧૩ ગામોના સરપંચઓને પાણી પુરવઠાનાં માળખાંની મરામત અને નિભાવણી અંગે તાલીમ આપવામાં આવી છે.
નાણાપંચ હેઠળ માણાવદર તાલુકાના શેરડી અને દડવા ગામે પાઇપલાઇનનાં કામો તેમજ જૂનાગઢ તાલુકાના ખડીયા ગામે રિજૂવિનેશન હેઠળ પંપિંગ મશીનરીનાં કામો માટે કુલ રૂ. ૩,૩૩,૪૭૯ની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જિલ્લાના ૫૯ ગામોની ૯૩ શાળાઓ અને ૭૩ આંગણવાડીઓમાં પીવાના પાણીના TDS પરીક્ષણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
જિલ્લા કલેક્ટરએ પાણી પુરવઠા વિભાગની લેબોરેટરી દ્વારા પાણીના નમૂનાઓના પરીક્ષણમાં આરોગ્યલક્ષી સમસ્યાઓની સંભાવના ધરાવતા વિસ્તારોને પ્રાથમિકતા આપવા સૂચના આપી હતી, જેથી પાણીજન્ય રોગચાળાની સંભવિત સ્થિતિને નિવારી સમયસર જરૂરી પગલાં લઈ શકાય.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠૌર સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ