



કચ્છ, 04 નવેમ્બર (હિ.સ.) : કચ્છ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં શૈક્ષણિક વહીવટ અને શાળાઓના મોનિટરિંગને વધુ અસરકારક બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લામાં લાંબા સમયથી ખાલી પડેલી જિલ્લા કેળવણી નિરીક્ષક (A.E.I.)ની જગ્યાઓ ભરવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલી પ્રક્રિયા અંતર્ગત સાત HTAT મુખ્ય શિક્ષકોને બઢતી આપીને જિલ્લા કેળવણી નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂકથી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગની વહીવટી કામગીરીને નવી મજબૂતી મળવાની સાથે શાળાઓના નિરીક્ષણ અને શૈક્ષણિક ગુણવત્તા પર પણ વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકાશે.
આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે વિગતો આપતાં જણાવ્યું હતું કે, જિલ્લા કેળવણી નિરીક્ષક બનવા માટે કચ્છ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા 50થી વધુ HTAT મુખ્ય શિક્ષકોએ રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત પરીક્ષા આપી હતી. પરીક્ષાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉપલબ્ધ સાત જગ્યાઓ માટે ત્રણ ગણા ઉમેદવારોને બોલાવી મેરિટના આધારે અંતિમ પસંદગી કરવામાં આવી હતી. પસંદગી પામેલા સાત ઉમેદવારોને બઢતીના હુકમો એનાયત કરી જિલ્લામાં ફરજ પર હાજર કરવામાં આવ્યા છે.
નવી નિમણૂકના ભાગરૂપે મુન્દ્રા તાલુકામાં બે, જ્યારે અબડાસા, માંડવી, ભચાઉ, ભુજ અને અંજાર તાલુકામાં એક-એક જિલ્લા કેળવણી નિરીક્ષકની જગ્યા ભરવામાં આવી છે. આમ, એકસાથે સાત અધિકારીઓની નિમણૂક થવાથી વિવિધ તાલુકાઓમાં પ્રાથમિક શાળાઓની વહીવટી દેખરેખ માટે માનવબળમાં વધારો થયો છે.
નોંધનીય છે કે કચ્છ જિલ્લામાં જિલ્લા કેળવણી નિરીક્ષકની કુલ 28 જગ્યાઓ મંજૂર છે, જે પૈકી અગાઉ માત્ર આઠ જગ્યાઓ ભરાયેલી હતી. હવે સાત નવી નિમણૂકો થતાં કાર્યરત જગ્યાઓની સંખ્યા વધીને 15 થઈ છે. જોકે, હજુ પણ 13 જગ્યાઓ ખાલી છે. બાકીની ખાલી જગ્યાઓ પણ ટૂંક સમયમાં ભરવામાં આવશે તેવી આશા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ વ્યક્ત કરી હતી.
નવા નિયુક્ત કેળવણી નિરીક્ષકોને ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોની શાળાઓની નિયમિત મુલાકાત લેવા, શૈક્ષણિક પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવા અને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સઘન મોનિટરિંગ કરવાની સૂચના આપવામાં આવી છે. આ પ્રસંગે શિક્ષણ સમિતિના સભ્ય રશ્મિકાંત ઠક્કર, ઉમેશભાઈ રૂગાણી, કિશોર વેકરિયા, નયનસિંહ જાડેજા અને યોગેશ જરદોશ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar