રાજકોટમાં પરિણીતાનો આપઘાત: સાસરિયાઓના ત્રાસથી પગલું ભર્યાનો આક્ષેપ
રાજકોટ, 04 નવેમ્બર (હિ.સ.) : રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા યોગીપાર્કમાં રહેતી 37 વર્ષીય પાટીદાર પરિણીતાએ પતિના અનૈતિક સંબંધો અને સાસરિયાઓના શારીરિક-માનસિક ત્રાસથી કંટાળીને ગઈકાલે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે, જ્યારે પિયર પક્ષ દ્વારા સુસાઈડ ન
રાજકોટમાં પરિણીતાનો આપઘાત


રાજકોટ, 04 નવેમ્બર (હિ.સ.) : રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા યોગીપાર્કમાં રહેતી 37 વર્ષીય પાટીદાર પરિણીતાએ પતિના અનૈતિક સંબંધો અને સાસરિયાઓના શારીરિક-માનસિક ત્રાસથી કંટાળીને ગઈકાલે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે, જ્યારે પિયર પક્ષ દ્વારા સુસાઈડ નોટ ગાયબ કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.

રાજકોટના યોગીપાર્ક વિસ્તારમાં બનેલી આ દુર્ઘટનામાં મૃતક તરુણાબેન ભીમાણીનાં લગ્ન આશરે 17 વર્ષ અગાઉ બેચરભાઈ ભીમાણી સાથે થયાં હતાં. પિયર પક્ષના જણાવ્યા અનુસાર, મૃતકના પિતાનું વર્ષો પહેલાં અવસાન થયું છે અને સગો ભાઈ ન હોવાને કારણે સાસરિયાઓ દ્વારા પરિણીતાનો સતત ગેરલાભ ઉઠાવવામાં આવતો હતો. છેલ્લા કેટલાક સમયથી પતિને અન્ય યુવતી સાથે અનૈતિક સંબંધો હોવાથી ઘરમાં અવારનવાર વિવાદ અને કંકાસ થતો હતો.

આ અનૈતિક સંબંધોનો વિરોધ કરવાને કારણે તેમજ નાની-નાની બાબતોમાં સાસુ, સસરા અને નણંદ દ્વારા પરિણીતા અને તેનાં બાળકોને અસહ્ય શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. આ અંગે સમાજના આગેવાનો દ્વારા અગાઉ અનેક વખત સમજાવટના પ્રયાસો કરાયા હોવા છતાં ત્રાસમાં કોઈ ઘટાડો થયો ન હતો.

ઘટનાના દિવસે પરિણીતાએ ઘરમાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધા બાદ સાસરિયાઓ દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવાના બદલે પુરાવાઓ છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મૃતદેહને હોસ્પિટલ ખસેડતી વખતે ઘટનાસ્થળેથી મૃતકે પોતાના હાથે લખેલી સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેને નણંદ ચતુરાઈપૂર્વક પોતાની સાથે લઈ ગયા હોવાનો ગંભીર આક્ષેપ મૃતકના ભત્રીજા દ્વારા કરવામાં આવ્યો છે. આ સુસાઈડ નોટમાં સાસરિયાઓ દ્વારા આપવામાં આવતા ત્રાસની તમામ હકીકતો સ્પષ્ટ રીતે લખેલી હોવાથી તેને ઇરાદાપૂર્વક ગાયબ કરી દેવામાં આવી હોવાનું પિયર પક્ષનું કહેવું છે.

આ કરુણ ઘટનાને કારણે મૃતકનાં બે માસૂમ સંતાનો, જેમાં 13 વર્ષની પુત્રી અને 10 વર્ષના પુત્રનો સમાવેશ થાય છે, તેમણે પોતાની વ્હાલસોયી માતાની છત્રછાયા ગુમાવી દીધી છે. ઘટનાની જાણ થતાં જ માવતર પક્ષના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આ મામલે તટસ્થ તપાસ કરી ગાયબ કરાયેલી સ્યુસાઇડ નોટ કબજે કરવાની માંગ કરી છે. તેમજ પરિણીતાને આપઘાત કરવા માટે મજબૂર કરનાર તમામ સાસરિયાઓ વિરુદ્ધ કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

હાલ આ સમગ્ર મામલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. પિયર પક્ષે પોલીસ સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે કે જો સ્યુસાઇડ નોટની તપાસ કરવામાં આવે તો સાસરિયાઓની ક્રૂરતાના તમામ પુરાવા બહાર આવી શકે છે. પોલીસ દ્વારા તમામ પાસાઓ પર સઘન તપાસ કરીને જવાબદાર સામે કડક પગલાં લેવામાં આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande