
ગાંધીનગર, 04 નવેમ્બર (હિ.સ.) : ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં અમરેલી જિલ્લાના શિયાળબેટ ટાપુ પર સ્થાનિક માછીમારોની લાંબા સમયથી ચાલી આવતી માંગ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને એક અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકાર દ્વારા શિયાળબેટ ખાતે આધુનિક સુવિધાયુક્ત મત્સ્ય ઉતરાણ કેન્દ્ર (ફિશ લેન્ડિંગ સેન્ટર) વિકસાવવાના પ્રસ્તાવને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, તેમ ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.
મંત્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાના શિયાળબેટ ટાપુ પર ૧૫૪ બોટો, ૨,૬૮૦ જેટલી કુલ વસ્તી, ૧,૧૦૦થી વધુ સક્રિય માછીમારો તેમજ ૪,૬૧૧ ટન મત્સ્ય ઉત્પાદન નોંધાયેલું છે. આ ટાપુ ભૌગોલિક રીતે જમીનમાર્ગે જોડાયેલ ન હોવાને કારણે અહીંના માછીમારો અન્ય બંદરોનો ઉપયોગ કરી શકતા નથી અને તેમને ફરજિયાતપણે ટાપુની આસપાસ જ પોતાની બોટ પાર્ક કરવી પડે છે.
આ ટાપુના લોકો માટે માછીમારી એ જ ભરણ-પોષણનો એકમાત્ર વ્યવસાય હોવાથી, તેમના માટે એક સુરક્ષિત ફિશ લેન્ડિંગ સેન્ટરની આવશ્યકતા હતી, જેને રાજ્ય સરકારે પૂર્ણ કરી છે.
શિયાળબેટ ખાતે મત્સ્ય ઉતરાણ કેન્દ્રના વિકાસ અંગે વધુ માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, આ પ્રોજેક્ટ અંતર્ગત ટાપુ પર પાઇલ જેટી, રીક્લેમેશન, સ્ટોન બન્ડ, પેવર બ્લોક સર્ફેસ, અને ઇલેક્ટ્રિકલ જેવી આધુનિક માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવશે. આ સુવિધાઓના નિર્માણથી માછલીના હેન્ડલિંગ, સંગ્રહ, હરાજી, સંરક્ષણ અને પરિવહનની તમામ વ્યવસ્થાઓ એક જ સ્થળે ઉપલબ્ધ બનશે.
આ નિર્ણયના દૂરગામી લાભો વિશે જણાવતા મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, આ સુવિધાઓ ઉપલબ્ધ થવાથી માછલીના બગાડમાં મોટો ઘટાડો થશે અને માછીમારો માટે લાંબા અંતરે માલ પહોંચાડવો સરળ બનશે. આના પરિણામે સ્થાનિક માછીમારોની આવક, આજીવિકા, સુરક્ષા અને જીવનધોરણમાં મોટો સુધારો આવશે તેમજ આ ક્ષેત્રમાં રોજગારીની નવી તકોને વેગ મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ