




પોરબંદર, 04 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ચોપાટી ગ્રાઉન્ડ
ખાતે આયોજિત 'સ્વદેશી મેળો' સ્થાનિક કારીગરો, નાના ઉદ્યોગકારો અને હસ્તકલાના કસબીઓ
માટે નવી તકો અને રોજીરોટીનું સશક્ત માધ્યમ સાબિત થઈ રહ્યો છે. આ મેળામાં
કારીગરોને કોઈપણ પ્રકારના ચાર્જ વગર વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવ્યા છે, જેનો સીધો લાભ સ્થાનિક શિલ્પકાર
લક્ષ્મણભાઈ ઓડેદરાને મળ્યો છે.
પોરબંદરમાં 'નવકાર મૂર્તિ'
નામે પોતાની શોપ ધરાવતા લક્ષ્મણભાઈ
ઓડેદરા ઘણા સમયથી માર્બલ અને પીઓપીમાંથી સુંદર મૂર્તિઓ બનાવવાનું કાર્ય કરે છે.
તેઓ ગ્રાહકોની પસંદગી અને ઓર્ડર મુજબ 6 ઇંચથી લઈને 6 ફૂટ સુધીની આકર્ષક મૂર્તિઓ તૈયાર કરે
છે. સ્વદેશી મેળામાં તેમને વિનામૂલ્યે 7 નંબરનો સ્ટોલ ફાળવવામાં આવ્યો છે, જ્યાં તેઓ સ્થળ પર જ જીવંત મૂર્તિઓ
બનાવવાનું કાર્ય કરી રહ્યા છે. સ્ટોલ ખાતે તેઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની
આબેહૂબ મૂર્તિનું લાઇવ નિર્માણ કરવામાં આવ્યું છે, જે મેળામાં મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
આ ઉપરાંત લક્ષ્મણભાઈ દ્વારા આઈ શ્રી લીરબાઈ
માતા, વીર વચ્છરાજ, મોમાઈ માતાજી તેમજ સ્વતંત્ર સેનાનીઓની
સુંદર મૂર્તિઓ પણ તૈયાર કરવામાં આવી છે. તેમની આ કલાત્મક કૃતિઓમાં બારીક કોતરણી, આબેહૂબ ચહેરાના હાવભાવ અને કલાત્મક
કૌશલ્ય જોવા મળે છે. સ્ટોલ પર આવતા મુલાકાતીઓ તેમની કલાકારી નિહાળીને વિવિધ સાઈઝ
અને ડિઝાઇન મુજબ નવી મૂર્તિઓના ઓર્ડર પણ આપી રહ્યા છે.
લક્ષ્મણભાઈ જણાવે છે કે, આ મેળામાં તૈયાર માલના સીધા વેચાણ
ઉપરાંત તેમને મોટા પ્રમાણમાં કસ્ટમાઇઝ્ડ ઓર્ડર મળી રહ્યા છે, જે તેમના વ્યવસાયના વિકાસ માટે ખૂબ જ
ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. લાઇવ મૂર્તિ નિર્માણની પ્રક્રિયા નિહાળવા માટે પણ લોકો
સ્ટોલની મુલાકાત લઈ રહ્યા છે.
કોઈપણ પ્રકારના ભાડા કે ચાર્જ વગર સુંદર
પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ લક્ષ્મણભાઈએ પોરબંદર મહાનગરપાલિકા, વહીવટી તંત્ર તેમજ રાજ્ય સરકારનો
હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સ્વદેશી મેળાનો આ પ્રયાસ સ્થાનિક કલાકારોની કળા
અને કારીગરીને પ્રોત્સાહન આપવા સાથે તેમના વ્યવસાયને નવી તકો પૂરી પાડી
આત્મનિર્ભરતાના સંકલ્પને સાકાર કરી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya