

- તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્રની મુલાકાત લઈ ગર્ભવતી માતાઓ સહિત ઉપસ્થિત સૌને આશીર્વચન પાઠવ્યાં.
ગાંધીનગર, 04 નવેમ્બર (હિ.સ.) : ભારતીય સંસ્કૃતિની ગુરુપરંપરા, વૈદિક જ્ઞાનધારા અને સંસ્કારઆધારિત જીવનમૂલ્યોના સંવર્ધનના હેતુથી ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે આજે શ્રી કાંચી કામકોટિ પીઠ, કાંચીપુરમ (તમિલનાડુ)ના જગદ્ગુરુ શંકરાચાર્ય શંકરા વિજયેન્દ્ર સરસ્વતી સ્વામીજીનું પાવન આગમન થયું હતું. આ પ્રસંગે ગુરુદેવના કરકમળે ગાંધીનગર મહાનગરપાલિકાના સહયોગથી યુનિવર્સિટી કેમ્પસ ખાતે નવનિર્મિત યજ્ઞશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
યજ્ઞશાળાના ઉદ્ઘાટન બાદ ગુરુદેવે યુનિવર્સિટીના તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ગર્ભવતી માતાઓ સાથે સંવાદ સાધ્યો હતો અને ભારતીય સંસ્કૃતિમાં માતૃત્વ તથા ગર્ભસંસ્કારના મહત્ત્વને અનુરૂપ ગર્ભવતી માતાઓને આશીર્વાદ આપ્યા હતા. માતા અને ગર્ભસ્થ શિશુના કલ્યાણની ભાવના સાથે કાર્યરત તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્રની પ્રવૃત્તિઓ અંગે પણ તેમણે જાણકારી મેળવી હતી.
આ પ્રસંગે યોજાયેલા વિશેષ આશીર્વચન કાર્યક્રમમાં પૂજ્ય જગદ્ગુરુ શંકરાચાર્યએ ઉપસ્થિત સૌને આશીર્વચન પાઠવ્યાં હતાં. તેમણે ભારતીય સંસ્કૃતિ, સનાતન પરંપરા, આધ્યાત્મિક મૂલ્યો અને સંસ્કારસભર જીવનના મહત્ત્વને ઉજાગર કર્યું હતું. ગુરુદેવનું પાવન સાન્નિધ્ય યુનિવર્સિટી પરિવાર, વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક પ્રેરણાનો અવસર બન્યું હતું.
કુલગુરુ ડૉ. ટી. એસ. જોષીની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યસભાના સાંસદસભ્ય રાજેશભાઈ શુક્લ, ગાંધીનગરના કોર્પોરેટર અને પૂર્વ મહિલા અને બાળવિકાસના પૂર્વ ચેરપર્સન હેમાબેન ભટ્ટ, યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યો, યુનિવર્સિટીના અધિકારીઓ, અધ્યાપકો, કર્મચારીઓ, ગર્ભવતી માતાઓ, મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓને આશીર્વચન પાઠવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ