
ભાવનગર, 04 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર શહેરના સરદારનગર વિસ્તાર નજીક આવેલી વંદેમાતરમ લાઇબ્રેરી ખાતે વાંચન માટે આવતા વિદ્યાર્થીઓ અને વાચકમિત્રો માટે રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ લાવવાનો તેમજ માર્ગ અકસ્માતો અટકાવવા માટે જરૂરી સાવચેતી અને જવાબદારી અંગે સમજણ આપવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને વાચકમિત્રોને માર્ગ સલામતીના વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો, હેલ્મેટ અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવો, ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું તેમજ રસ્તા પર ચાલતી વખતે જરૂરી સાવચેતી રાખવા અંગે સમજાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત માર્ગ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સમયસર સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી PM-RAHAT યોજના અંગે માહિતી આપવામાં આવી હતી. અકસ્માત સમયે ઘાયલ વ્યક્તિની મદદ કરનાર નાગરિકોને પ્રોત્સાહિત કરતી રાહવીર (Rah-Veer) યોજના વિશે પણ સમજણ આપવામાં આવી હતી.
વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યું હતું કે માર્ગ સલામતી માત્ર વાહનચાલકોની જ નહીં, પરંતુ રસ્તાનો ઉપયોગ કરતા દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરીને અનેક અકસ્માતો અટકાવી શકાય છે. આવા જાગૃતિ કાર્યક્રમો દ્વારા યુવા પેઢીમાં જવાબદાર નાગરિક તરીકેની ભાવના વિકસે અને માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA