
સુરત, 04 નવેમ્બર (હિ.સ.): જિલ્લા કલેકટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા, માર્ગ સલામતીના અસરકારક અમલીકરણ તેમજ અકસ્માતોની સંભાવના ધરાવતા સ્થળોએ જરૂરી તકેદારી અને માળખાકીય સુવિધાઓ વિકસાવવા અંગે વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન મોગલધામ ખાતે વાહનચાલકોની સુરક્ષા અને માર્ગ સલામતીને ધ્યાનમાં રાખીને હાઈમાસ્ટ ટાવર સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ સ્થળે ફુટ ઓવરબ્રિજ બનાવવાનું આયોજન પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કરવામાં આવેલા અનધિકૃત દબાણો સામે કાર્યવાહી હાથ ધરી કુલ 320 દબાણો દૂર કરવામાં આવ્યા હોવાની વિગતો હાઈવેના અધિકારીએ આપીહતી.
માર્ગ અકસ્માતો અટકાવવા જનભાગીદારી વધારવાના હેતુથી 'સડક સુરક્ષા મિત્ર પ્રોગ્રામ' અંતર્ગત 30 વોલેન્ટિયરોનું રજિસ્ટ્રેશન કરી તેમને જરૂરી તાલીમ આપવામાં આવી હોવાનું પણ બેઠકમાં જણાવાયું હતું. આ પહેલના માધ્યમથી નાગરિકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ વધારવા અને અકસ્માત નિવારણની કામગીરીને વધુ અસરકારક બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
બારડોલી આર.ટી.ઓ. અધિકારી દ્વારા જિલ્લામાં થયેલા જીવલેણ માર્ગ અકસ્માતોની વિસ્તૃત વિગતો રજૂ કરવામાં આવી હતી. અકસ્માતોના કારણો, અકસ્માતોની સંભાવના ધરાવતા સ્થળો તથા ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવવા માટે લેવામાં આવનાર પગલાં અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત જિલ્લામાં ઓળખાયેલા બ્લેક સ્પોટ્સ પર કરવામાં આવી રહેલી કામગીરી, માર્ગ સલામતીને લગતા એન્જિનિયરિંગ સુધારા તથા સંબંધિત વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીના પ્રગતિ અહેવાલની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને નાગરિકોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવા તમામ સંબંધિત વિભાગો વચ્ચે સંકલન સાથે જરૂરી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે દિશામાં બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો.
બેઠકમાં સુરત આરટીઓ અધિકારી, આરોગ્ય, આરટીઓ, હાઈવે, માર્ગ અને મકાન વિભાગ, માહિતી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે