
ભાવનગર, 04 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટિંગ યાર્ડમાં હવે અન્ય રાજ્યોના વેપારીઓ પણ મગફળીની ખરીદી માટે પહોંચવા લાગ્યા છે. તાજેતરમાં તમિલનાડુ રાજ્યમાંથી વેપારીઓ તળાજા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી કરવા માટે આવતા સ્થાનિક કૃષિ બજારમાં ખાસ ઉત્સુકતા જોવા મળી હતી. અન્ય રાજ્યના વેપારીઓની આવકથી તળાજાની મગફળીને આંતરરાજ્ય બજારમાં નવી ઓળખ મળી રહી છે.
તમિલનાડુથી આવેલા વેપારીઓએ તળાજા માર્કેટિંગ યાર્ડમાં ઉપલબ્ધ મગફળીના જથ્થા અને ગુણવત્તામાં રસ દાખવી ખરીદીની પ્રક્રિયા હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, આ વેપારીઓ તળાજામાંથી મગફળી ખરીદીને તમિલનાડુ લઈ જાય છે, જ્યાં તેનો ઉપયોગ વાવેતર સહિતના કૃષિ હેતુઓ માટે કરવામાં આવે છે. દૂરના રાજ્યમાંથી વેપારીઓ ખાસ મગફળીની ખરીદી માટે તળાજા સુધી પહોંચતા યાર્ડના ખેડૂતો અને સ્થાનિક વેપારીઓમાં પણ ચર્ચા અને ઉત્સુકતા જોવા મળી રહી છે.
તળાજા પંથકમાં મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. અહીંના ખેડૂતો દ્વારા ઉત્પાદિત મગફળી હવે ગુજરાતની બહાર પણ વેપારીઓનું ધ્યાન ખેંચી રહી છે. અન્ય રાજ્યમાંથી સીધા વેપારીઓ ખરીદી માટે આવતા હોવાથી સ્થાનિક કૃષિ બજારની વ્યાપકતા વધવાની આશા સેવાઈ રહી છે.
ખેડૂતો માટે પોતાના ઉત્પાદનને અન્ય રાજ્યોના બજારો સુધી પહોંચવાની તક ઊભી થવી મહત્વપૂર્ણ છે. તળાજા માર્કેટિંગ યાર્ડમાં તમિલનાડુના વેપારીઓની હાજરીથી સ્થાનિક કૃષિ વેપારને નવી દિશા મળવાની સાથે તળાજાની મગફળીની બજાર ઓળખ પણ વિસ્તરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA