

- ઑક્ટોબર માસ દરમિયાન પ્રાપ્ત 390 ફરિયાદોમાંથી 360 ફરિયાદોનો નિકાલ
પોરબંદર, 04 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાના સેનીટેશન વિભાગ દ્વારા
શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તેમજ નાગરિકોને સ્વચ્છ અને સુઘડ વાતાવરણ મળી રહે તે
હેતુથી સતત કામગીરી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ઑક્ટોબર માસ દરમિયાન વિવિધ
ઓનલાઈન પોર્ટલ મારફતે સેનીટેશન વિભાગને કુલ 390 ફરિયાદો પ્રાપ્ત થઈ હતી. પ્રાપ્ત
ફરિયાદો માંથી મહાનગરપાલિકાના સેનીટેશન વિભાગ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરીને
કુલ 360
ફરિયાદોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે 22 ફરિયાદો નિયમો અને સંબંધિત
પ્રક્રિયાના આધારે રિજેક્ટ કરવામાં આવી છે. ઉપરાંત હાલમાં 8 ફરિયાદો અંગે કામગીરી ચાલુ છે, જેનો તબક્કાવાર નિકાલ કરવાની કાર્યવાહી
હાથ ધરવામાં આવી રહી છે.
મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઓનલાઈન ફરિયાદ નિવારણ પોર્ટલ
પર પ્રાપ્ત થતી ફરિયાદોને ગંભીરતાથી લઈને સંબંધિત વિભાગ અને કર્મચારીઓ મારફતે સ્થળ
પર જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ, કચરાના નિકાલ, જાહેર સ્થળોની સ્વચ્છતા તેમજ અન્ય
સેનીટેશન સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવે છે.
પોરબંદર મહાનગરપાલિકા નાગરિકોને સ્વચ્છ, સુંદર અને આરોગ્યપ્રદ શહેર પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે.
નાગરિકો પણ
શહેરની સ્વચ્છતા જાળવવામાં સહભાગી બની સ્વચ્છતા સંબંધિત પ્રશ્નો અને ફરિયાદો યોગ્ય
માધ્યમો દ્વારા મહાનગરપાલિકાના ધ્યાન પર લાવે તેવી અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya