
પોરબંદર, 04 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરના બોખીરા ગોલાઈ પાસે આવેલા ક્રિષ્ના ગેસ્ટ હાઉસમાં એલસીબીએ દરોડો પાડતાં રૂમ નંબર 107 માંથી ત્રણ શખ્સ દારૂની મહેફિલ માણતા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની બોટલો સહિતનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય સામે કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની કાર્યવાહી દરમિયાન કુતિયાણાના બહારપુરા વિસ્તારમાં રહેતા ભરત ઉર્ફે કારૂ નાથા ઓડેદરા (28), જામનગર જિલ્લાના નાની લાખાણી ગામે શંકર મંદિર સામે રહેતા વિશ્વરાજસિંહ જગદીશસિંહ જાડેજા (23) અને પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં સુદામા પરોઠા હાઉસ પાછળ મધુરમ પાન પાસે રહેતા રમેશ વિરાભાઈ સોઢા (42) મળી આવ્યા હતા.એલસીબીના પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ દશરથસિંહ પરમારની ફરિયાદ મુજબ, ત્રણેય શખ્સોએ કોઈ પાસ-પરમિટ વિના ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ પોતાના કબજામાં રાખી એકબીજાની મદદગારીથી દારૂની મહેફિલનું આયોજન કર્યું હતું. સ્થળ પરથી વિદેશી દારૂની 180 એમએલની ભરેલી બોટલ, આશરે 90 એમએલ દારૂ ભરેલી બોટલ, એક ખાલી બોટલ,
ત્રણ પ્લાસ્ટિક ગ્લાસ, થમ્સ અપની અધૂરી બોટલ, પાણીની બોટલ તથા ખાવાની વસ્તુઓનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસે ત્રણેય સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya