રાજકોટમાં મોંઘવારી અને મંદીના માહોલ વચ્ચે મીઠાઈના ભાવ આસમાને પહોંચતા લોકોની ખરીદી પર અસર
રાજકોટ, 05 નવેમ્બર (હિ.સ.) દિવાળીના પવિત્ર તહેવારમાં સ્નેહીજનોનું મોં મીઠું કરાવી નૂતન વર્ષને આવકારવાની વર્ષો જૂની પરંપરા છે, પરંતુ આ વર્ષે મોંઘવારીના ભારે માર અને ૨૦થી ૨૫ ટકાના ભાવવધારાને કારણે સામાન્ય લોકો માટે તહેવારની મીઠાશ ફિક્કી પડી ગઈ છે
મીઠાઈઓની ખરીદી ઉપર અસર


રાજકોટ, 05 નવેમ્બર (હિ.સ.) દિવાળીના પવિત્ર તહેવારમાં સ્નેહીજનોનું મોં મીઠું કરાવી નૂતન વર્ષને આવકારવાની વર્ષો જૂની પરંપરા છે, પરંતુ આ વર્ષે મોંઘવારીના ભારે માર અને ૨૦થી ૨૫ ટકાના ભાવવધારાને કારણે સામાન્ય લોકો માટે તહેવારની મીઠાશ ફિક્કી પડી ગઈ છે. બજારમાં મંદી અને ઊંચા ભાવના કારણે વેપારીઓએ પ્રોડક્શનમાં ૨૦ ટકા સુધીનો કાપ મૂક્યો છે.

દિવાળીના ટાણે બજારમાં કપડાં અને ઘરવખરીની ખરીદીનો ઉત્સાહ જોવા મળે છે, પરંતુ મીઠાઈ અને ફરસાણની ખરીદી બાબતે ગ્રાહકોનો પ્રતિસાદ ઠંડો રહ્યો છે. સમય બદલાતા હવે લોકો પરંપરાગત પેંડા અને ગુલાબજાંબુની સાથે કાજુ કતરી, અંજીર ખજાના, હની લાડુ અને ચંદ્રકલા જેવી ફેન્સી વેરાયટીઓ પસંદ કરી રહ્યા છે, જોકે બજેટ વધવાને કારણે ખરીદી મર્યાદિત બની ગઈ છે.

આ મોંઘવારી પાછળ કાચા માલના વધેલા ભાવ મુખ્ય જવાબદાર છે. ગત વર્ષે 45 રૂપિયા પ્રતિ કિલો મળતી ખાંડ આ વર્ષે વધીને 65 રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જેના કારણે સામાન્ય મીઠાઈઓ કિલોએ 100 રૂપિયા મોંઘી થઈ છે. ખાંડ અને કારીગરી ખર્ચ વધવાથી વેપારીઓ અને ગ્રાહકો બંને મુશ્કેલીમાં મુકાયા છે.

માત્ર ખાંડ જ નહીં પરંતુ કાજુ, બદામ, અંજીર અને પિસ્તા જેવા ડ્રાયફ્રૂટ્સના ભાવમાં પણ આસમાને પહોંચતો 50 ટકા જેટલો મોટો વધારો થયો છે. ડ્રાયફ્રૂટમાંથી બનતી પ્રીમિયમ મીઠાઈઓના ભાવ પ્રતિ કિલો 1200 થી 1800 રૂપિયા સુધી પહોંચી ગયા છે, જેના કારણે ગ્રાહકોની ખરીદશક્તિ પર સીધી વિપરીત અસર પડી છે.

બજારમાં છવાયેલા મંદીના માહોલ અને ગ્રાહકોના ઠંડા પ્રતિસાદને કારણે વેપારીઓએ જોખમ ટાળવા માટે મીઠાઈના પ્રોડક્શનમાં અંદાજે 20 ટકાનો ઘટાડો કર્યો છે. તેમ છતાં, વેપારીઓને આશા છે કે બેસતા વર્ષના આગલા દિવસોમાં ઘરાકી નીકળશે અને તહેવારના માહોલમાં બજારની રોનક પાછી ફરશે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande