
દુકાનેથી વેફર લઈને પરત ફરી રહેલી બાળકીને રસ્તામાં રોકી અજાણ્યા શખ્સે શારીરિક અડપલાં કર્યા
રાજકોટ, 07 નવેમ્બર (હિ.સ.) : રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં ૧૦ વર્ષની બાળકી સાથે અજાણ્યા શખ્સે સતામણી કરી હોવાની ઘટના સામે આવી છે. ઘર નજીક આવેલી દુકાનેથી વેફર લઈને પરત ફરી રહેલી બાળકીને રસ્તામાં આંતરીને ૪૦ વર્ષીય બાઈકસવાર શખ્સે છેડતી કરી હતી. આ મામલે પરિવારે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ, ગઈકાલે રાત્રે માસૂમ બાળકી પોતાના ઘર નજીક આવેલી નાસ્તાની દુકાને વેફર ખરીદવા માટે ગઈ હતી. બાળકી વેફર લઈને દુકાન બહાર નીકળી ત્યારે બાઈક પર આવેલા આશરે ૪૦ વર્ષના અજાણ્યા શખ્સે તેની પાસે વાહન ઊભું રાખ્યું હતું. આ શખ્સે બાળકીને રસ્તામાં રોકીને વાતચીત કરવાના બહાને અટકાવી રાખી હતી અને ત્યારબાદ તેની સાથે સતામણી શરૂ કરી હતી.
ઘટના સમયે શખ્સે સૌપ્રથમ બાળકીને તેની ઉંમર અંગે પૂછપરછ કરી હતી. ત્યારબાદ તેણે બાળકી સમક્ષ અશોભનીય વાતો કરી હતી. આ વાતચીત દરમિયાન જ શખ્સે બાળકીનો હાથ પકડી લીધો હતો અને જાહેરમાં જ શારીરિક અડપલાં કરવા લાગ્યો હતો. અચાનક બનેલી આ ઘટનાને કારણે ૧૦ વર્ષની બાળકી ગભરાઈ ગઈ હતી.
સતામણીથી ડરી ગયેલી બાળકીએ કોઈપણ રીતે શખ્સના પંજામાંથી પોતાનો હાથ છોડાવ્યો હતો અને ત્યાંથી ભાગીને સીધી પોતાના માતા-પિતા પાસે પહોંચી ગઈ હતી. બાળકીએ આપવીતી જણાવતા પરિજનો તેને લઈને તુરંત ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. પરિવારે સમગ્ર બનાવ અંગે પોલીસ સમક્ષ વિગતો આપી ફરિયાદ નોંધાવી હતી.
ગાંધીગ્રામ પોલીસે આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ તથા જાતીય સતામણીની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ઘટના સ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને બાઈકસવાર શખ્સની ઓળખ મેળવવા અને તેને ઝડપી પાડવા માટે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt