





પોરબંદર , 07 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના બિરલા હોલ ખાતે જિલ્લા ઉદ્યોગ
કેન્દ્ર (DIC) અને
ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે ‘કૃષિ અને ખાદ્ય ઉદ્યોગો માટે તકોનું સર્જન’
વિષય પર સેમિનાર કમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનો મુખ્ય
ઉદ્દેશ્ય કૃષિ અને ખાદ્ય ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકોને નવી વ્યવસાયિક તકો, કૃષિ નિકાસ, મૂલ્યવર્ધન, સરકારી પ્રોત્સાહક યોજનાઓ, રોકાણની તકો તથા દરિયાઈ શેવાળની ખેતી
અને પ્રોસેસિંગ અંગે માર્ગદર્શન પૂરું પાડવાનો હતો.
કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા બી. યુ. જાડેજાએ
જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લો મુખ્યત્વે કૃષિ આધારિત (એગ્રો-બેઝ્ડ) જિલ્લો છે.
અહીં ઔદ્યોગિક વિકાસને વધુ વેગ મળે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા કરવામાં
આવેલ આ આયોજન ખૂબ જ પ્રશંસનીય અને સમયની માંગ સમાન છે. પોરબંદરના સ્થાનિક
ઉદ્યોગકારોમાં નવું શીખવાની અને જાણવાની તીવ્ર ભૂખ રહેલી છે, જે વિકાસ માટે અત્યંત જરૂરી છે. કોઈપણ
વિકાસનું પ્રથમ પગથિયું મનમાં ઉદ્ભવતી જિજ્ઞાસા અને પ્રશ્નો છે; જ્યાં સુધી પ્રશ્નો નહીં થાય ત્યાં
સુધી પ્રગતિનો માર્ગ ખૂલતો નથી.
તેમણે વધુમાં ઉલ્લેખ કર્યો કે કેન્દ્રીય મંત્રી
મનસુખ માંડવિયા તેમજ ગુજરાતના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા જેવા સક્ષમ નેતૃત્વ
પોરબંદરના ઔદ્યોગિક વિકાસ અને સ્થાનિક યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવા માટે
સતત પ્રયત્નશીલછે. તેમણે ભારપૂર્વક
જણાવ્યું કે કોઈપણ વ્યવસ્થા કે વિકાસ રાતોરાત ઊભો થતો નથી; તે માટે સતત મંથન અને લાંબા ગાળાના
પ્રયાસોની જરૂર પડે છે.
સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ પ્રોત્સાહક
યોજનાઓ અને પહેલની માહિતી છેવાડાના યુવા ઉદ્યોગ સાહસિકો સુધી પહોંચે તે ખૂબ જ
અનિવાર્ય છે. આવા વર્કશોપ ઉદ્યોગ સાહસિકોને યોગ્ય દિશા અને માર્ગદર્શન પૂરું
પાડવાનું સબળ માધ્યમ છે.
જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારીએ
જણાવ્યું હતું કે ભારત ખેતીપ્રધાન દેશ છે. સ્થાનિક કૃષિ ઉત્પાદનોનું યોગ્ય
મૂલ્યવર્ધન કરી આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસ કરવામાં આવે તો ખેડૂતોની આવકમાં વધારો
થવાની સાથે રોજગારીની નવી તકો ઊભી થઈ શકે છે. સખી મંડળની બહેનો દ્વારા તૈયાર
કરવામાં આવતા અથાણાં, મસાલા સહિતના પરંપરાગત ઉત્પાદનો તેમજ દરિયાઈ શેવાળ જેવી નવી
પ્રોડક્ટ્સને વૈશ્વિક બજાર સુધી પહોંચાડવા પર તેમણે ભાર મૂક્યો હતો. ઉત્પાદનની
ગુણવત્તા જાળવવા અને નુકસાની અટકાવવા માટે આવા વર્કશોપ ઉપયોગી સાબિત થાય છે તેમ પણ
તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે સંયુક્ત ઉદ્યોગ કમિશનર અને જનરલ
મેનેજર ડી. આર. પરમારે સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ
કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ નલીનભાઈ કાનાણીએ ઉદ્ઘાટન સેશનની આભારવિધિ સાથે
ટેકનિકલ સેશન અંગે માહિતી આપી હતી.
વર્કશોપના ટેકનિકલ સેશનમાં APEDAના એડવાઈઝર સુબોધ શાહે કૃષિ નિકાસમાં APEDAની ભૂમિકા અંગે વિસ્તૃત માર્ગદર્શન
આપ્યું હતું. તેમણે નિકાસ વ્યવસાય શરૂ કરતાં પહેલાં કરવાની તૈયારીઓ, નિકાસકાર તરીકે નોંધણી, ઉત્પાદન આધારિત ઉદ્યોગોનો વિકાસ, વધુ માંગ ધરાવતા આંતરરાષ્ટ્રીય બજારોની
ઓળખ, પ્રોસેસિંગના
ધોરણો, પેકેજિંગ
અને સર્ટિફિકેશન અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત વૈશ્વિક ગુણવત્તાના ધોરણોનું પાલન, ઉત્પાદન ક્ષમતા અને તેની સાતત્યતા
જાળવવી, આધુનિક
પેકેજિંગ પદ્ધતિઓ તથા નિકાસલક્ષી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા જેવા મહત્ત્વના
મુદ્દાઓ પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. APEDA દ્વારા કૃષિ કોમોડિટીઝ અને શેડ્યૂલ્ડ
પ્રોડક્ટ્સની નિકાસને પ્રોત્સાહન આપવા અંગે પણ સમજ આપવામાં આવી હતી.
કામધેનુ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. નિલેશ
જોશીએ દરિયાઈ શેવાળની ખેતી અને તેના મૂલ્યવર્ધન ક્ષેત્રે રહેલી વ્યવસાયિક તકો તેમજ
પોરબંદર જિલ્લામાં રહેલી અપાર સંભાવનાઓ અંગે માહિતી આપી હતી. ખાસ કરીને દરિયાઈ
શેવાળની ખેતી, તેમાંથી
બનતી વિવિધ પ્રોડક્ટ્સ અને તેના પૂરક ઉત્પાદનોના ઉત્પાદન માટેની ઔદ્યોગિક તકો અંગે
વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.
વર્કશોપમાં મૂલ્યવર્ધનના ક્ષેત્રે પણ વિવિધ
સંભાવનાઓ રજૂ કરવામાં આવી હતી. પ્રગતિશીલ ખેડૂતો અને કૃષિ સાહસિકો દ્વારા તાજાં
ફળો તથા બાગાયતી ઉત્પાદનોનું મૂલ્યવર્ધન, મગફળીના પ્રોસેસિંગ એકમો અને મગફળીના
તેલ મિલો, દરિયાઈ
ઉત્પાદનો તથા માછલી આધારિત પ્રોડક્ટ્સના પ્રોસેસિંગ દ્વારા સ્થાનિક કાચા માલમાંથી
વધુ મૂલ્ય ધરાવતાં ઉત્પાદનો તૈયાર કરવાની તકો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત કૃષિ અને ખાદ્ય આધારિત ઉદ્યોગોના
વિકાસ માટે ઔદ્યોગિક ક્લસ્ટર, મૂલ્યવર્ધન આધારિત ઉદ્યોગો, પરિવહન અને લોજિસ્ટિક્સ સહિતની
માળખાકીય સુવિધાઓ, બેંક લોન, નાણાકીય સહાય તથા સરકારી પ્રોત્સાહક યોજનાઓની ભૂમિકા અંગે પણ
માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાત સરકારની વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ હેઠળ
ઉપલબ્ધ યોજનાઓ અને પ્રોત્સાહનોની માહિતી પણ ઉદ્યોગ સાહસિકોને આપવામાં આવી હતી.
સંયુક્ત ઉદ્યોગ કમિશનર અને જનરલ મેનેજર ડી. આર.
પરમારે સરકારની વિવિધ ઉદ્યોગલક્ષી યોજનાઓ, નાણાકીય સહાય અને પ્રોત્સાહનો અંગે
માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથે જ કૃષિ અને ખાદ્ય ક્ષેત્રમાં રોકાણની તકોનો
લાભ લઈને સ્થાનિક સ્તરે નવા ઉદ્યોગો સ્થાપવા અને નિકાસલક્ષી ઉત્પાદનને પ્રોત્સાહન
આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન
ઓડેદરા, પોરબંદર
મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન
તિવારી, શહેર
ભાજપ પ્રમુખ લકીરાજસિંહ વાળા, GIDC ધરમપુર ઉદ્યોગનગર એસોસિએશનના ચેરમેન રામદેભાઈ
મોઢવાડીયા, GIDC ધરમપુર
ઉદ્યોગનગર એસોસિએશનના પ્રમુખ લખમણભાઈ ઓડેદરા, APMCના ચેરમેન લક્ષ્મણભાઈ ઓડેદરા સહિતના
મહાનુભાવો, ઉદ્યોગ
સાહસિકો અને મોટી સંખ્યામાં જિજ્ઞાસુઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya