રાજકોટના રેસકોર્સ રીંગરોડ પર સિવિલ સુપ્રિટેન્ડેન્ટની કારનો અકસ્માત: સદનસીબે કોઈ જાનહાનિ નહીં
દિવાળી પર્વ ઉપર રંગોળી સ્પર્ધાના કારણે એક તરફનો રસ્તો બંધ રખાતા ઘટના બની ડાયવર્ઝન આપવા છતાં રોંગ સાઈડમાં આવતી સરકારી કાર અને ઈલેક્ટ્રીક કાર વચ્ચે સર્જાયેલી ટક્કરમાં બંને વાહનોને નુકસાન રાજકોટ, 07 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળ
સિવિલ સુપરિટેનડેન્ટની કારનો અકસ્માત


દિવાળી પર્વ ઉપર રંગોળી સ્પર્ધાના કારણે એક તરફનો રસ્તો બંધ રખાતા ઘટના બની

ડાયવર્ઝન આપવા છતાં રોંગ સાઈડમાં આવતી સરકારી કાર અને ઈલેક્ટ્રીક કાર વચ્ચે સર્જાયેલી ટક્કરમાં બંને વાહનોને નુકસાન

રાજકોટ, 07 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે આયોજિત રંગોળી સ્પર્ધા માટે રેસકોર્સ રીંગરોડ પર ૭ અને ૮ નવેમ્બરના રોજ એક તરફનો વાહનવ્યવહાર બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. આ ટ્રાફિક વ્યવસ્થા વચ્ચે ૭ નવેમ્બરની સવારે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટની કાર અને સામેથી આવતી એક ઈલેક્ટ્રીક કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક તરફનો રસ્તો બંધ હોવાના કારણે સિંગલ ટ્રેક પરથી જ બંને તરફના વાહનો પસાર થઈ રહ્યા હતા ત્યારે રોંગ સાઈડમાં આવતી સરકારી કાર સામસામે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં બંને કારના બોનેટ ભાગે ભારે નુકસાન પહોંચ્યું હતું, જેના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.

મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ રીંગરોડની ફરતે વિભિન્ન રંગોળીઓ બનાવવાનું આયોજન કરાયું હોવાથી બહુમાળી ભવન ચોકથી પોલીસ હેડ ક્વાર્ટર થઈ એરપોર્ટ રોડ સુધીનો રસ્તો સામાન્ય વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. એક તરફનો માર્ગ સંપૂર્ણ બંધ રહેતા જમણી બાજુના એક જ રોડ પરથી બંને તરફથી આવતા-જતા વાહનોને પસાર થવાની ફરજ પડી હતી. આ અચાનક બદલાયેલી ટ્રાફિક વ્યવસ્થાના પરિણામે બે દિવસ સુધી રોડ પર વાહનોનો ભારે ભરાવો થવાની સાથે અકસ્માતનો ભય પણ ઊભો થયો હતો.

આ અકસ્માતની વિગત મુજબ, સવારના સમયે ઈલેક્ટ્રીક કાર ચાલક પોતાના નિયત માર્ગે પોલીસ હેડ ક્વાર્ટર તરફથી બહુમાળી ભવન ચોક તરફ આવી રહ્યો હતો. તે જ સમયે સામેથી એક તરફનો રસ્તો બંધ હોવાના કારણે રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે આવી રહેલી સિવિલ સુપ્રિટેન્ડેન્ટની કાર સાથે ઈલેક્ટ્રીક કારની સીધી ટક્કર થઈ હતી. સદનસીબે આ અકસ્માત થયો તે સમયે સરકારી કારમાં સુપ્રિટેન્ડેન્ટ રૂબરૂ હાજર ન હતા, પરંતુ માત્ર ડ્રાઈવર જ કાર ચલાવી રહ્યો હતો.

અકસ્માત સર્જાયા બાદ સિવિલ સુપ્રિટેન્ડેન્ટની કારના આગળના ભાગે પણ સારું એવું નુકસાન થયું હતું. બનાવ બનતા જ સ્થળ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને થોડી જ વારમાં ડ્રાઈવર વાહન સાથે ત્યાંથી નીકળી ગયો હતો. બીજી તરફ, ઈલેક્ટ્રીક કારના ચાલકનો સંપર્ક કરવામાં આવતા તેમણે કારનો વીમો ઉતારેલો હોવાથી આ મામલે પોલીસ ફરિયાદ કે કાયદાકીય કાર્યવાહી ન કરવાનો નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું હતું.

રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. કમલ ડોડિયાએ આ બનાવ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, સવારે ડ્રાઈવર તેમને ઘરેથી લેવા માટે નીકળ્યો હતો તે સમયે આ અકસ્માત નડ્યો હતો. ડ્રાઈવરે ટેલિફોનિક જાણ કરી હતી કે દિવાળીની રંગોળી સ્પર્ધાના કારણે રોડ બંધ હોવાથી આ ઘટના બની છે, જેથી તે સમયસર આવી શકશે નહીં. આમ, તહેવાર ટાણે રસ્તા બંધ રાખવાના નિર્ણય અને ટ્રાફિકના યોગ્ય સંચાલનના અભાવે શહેરના મુખ્ય માર્ગ પર અકસ્માતની ઘટના નોંધાઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande