
- દિવાળીના તહેવારોને ધ્યાને રાખી એડવાન્સ ડોર સ્ટેપ ડિલિવરી દ્વારા અનાજ, દાળ અને ખાંડનું સફળ વિતરણ.
રાજકોટ, 07 નવેમ્બર (હિ.સ.) :
રાજકોટ સહિત રાજ્યભરમાં પુરવઠા વિભાગની સક્રિય કામગીરીના ફળસ્વરૂપ ચાલુ નવેમ્બર માસની શરૂઆતમાં જ ૧૭ હજારથી વધુ વ્યાજબી ભાવની દુકાનો પર અનાજ, દાળ અને ખાંડનો ૯૯.૯૧ ટકા જથ્થો એડવાન્સમાં સફળતાપૂર્વક પહોંચાડી દેવામાં આવ્યો છે.
દિવાળીના પાવન તહેવાર પર રાજ્યના કોઈ પણ લાભાર્થીને મળવાપાત્ર અનાજથી વંચિત રહેવું ન પડે તે માટે પુરવઠા વિભાગ દ્વારા અગાઉથી જ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ઓક્ટોબર માસથી જ 'ડોર સ્ટેપ ડિલિવરી' (DSD) ની શરૂઆત કરી દેવામાં આવી હતી, જેના કારણે વેપારીઓને સમયસર જથ્થો ન મળવાની ફરિયાદો સંપૂર્ણપણે નાબૂદ થઈ ગઈ છે. તંત્રની આ સચોટ અને ઝડપી વ્યવસ્થાના કારણે ગ્રાહકોને તહેવારોની મોસમમાં રાહત મળી છે.
આ ડ્રાઈવ અંતર્ગત ઘઉંનો ૬૮,૫૦૩ મેટ્રિક ટન (૯૯.૯૧%), ચોખાનો ૮૬,૧૭૦ મેટ્રિક ટન (૯૯.૯૦%), તેમજ ચણા, તુવેર દાળ અને ખાંડનો ૧૦૦ ટકા જથ્થો સીધો એફ.પી.એસ. (FPS) દુકાનો સુધી પહોંચતો કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ હાંસલ કરવા માટે નિગમના તમામ ગોડાઉનો પર સવારથી મોડે રાત્રિ સુધી તેમજ જાહેર રજાઓના દિવસોમાં પણ સતત કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.
વિતરણ વ્યવસ્થા વધુ વેગવંતી બનતા હાલમાં તમામ દુકાનો પરથી ઉત્સાહભેર લાભાર્થીઓને રાશન સામગ્રીનું વિતરણ થઈ રહ્યું છે. પુરવઠા તંત્રની આ પ્રકારની સમયસૂચકતા અને સક્રિયતાથી પૂરવઠા વિતરણ વ્યવસ્થા વધુ પારદર્શક અને સુદ્રઢ બની છે, જેનો સીધો લાભ સામાન્ય જનતાને મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt