
અમદાવાદ,07 નવેમ્બર (હિ.સ.) મુંબઈ સ્થિત જાપાનના કોન્સલ-જનરલ હિતોમી સાતોએ અમદાવાદ સ્થિત ગુજરાતના જાપાનના ઓનરરી કોન્સલ મૂકેશ પટેલ સાથે 3અને 4 નવેમ્બરના રોજ ગુજરાતની અત્યંત ફળદાયી બે દિવસીય સત્તાવાર મુલાકાત પૂર્ણ કરી હતી.
આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક સહયોગનો વિસ્તાર કરવો, સાંસ્કૃતિક અને પ્રજા વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવો તથા જાપાન અને ગુજરાત વચ્ચે મહત્વપૂર્ણ પાયાની સુવિધાઓ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) અને વેપાર ક્ષેત્રે ભાગીદારીને આગળ વધારવાનો હતો.
કોન્સલ-જનરલ હિતોમી સાતો અને ઓનરરી કોન્સલ મૂકેશ પટેલે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રજી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે આર્થિક સહયોગ, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને લોકો વચ્ચેના સંબંધો વધારવા પર વિશેષ ભાર મુકીને જાપાન-ગુજરાતના બહુઆયામી સંબંધો અંગે અર્થપૂર્ણ ચર્ચા કરી હતી.
કોન્સલ-જનરલ હિતોમી સાતો અને ઓનરરી કોન્સલ મૂકેશ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં રાજ્યમાં જાપાની રોકાણોના વધી રહેલા વ્યાપ, આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓ અને જાપાન-ભારત રાજદ્વારી સંબંધોની 75મી ઐતિહાસિક વર્ષગાંઠની ઉજવણી માટેની પહેલોને સુસંગત બનાવવા અંગે ચર્ચા થઈ હતી.
કોન્સલ-જનરલ હિતોમી સાતો અને ઓનરરી કોન્સલ મૂકેશ પટેલે ગુજરાતના મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ સાથે મુલાકાત કરી હતી. આગામી જાન્યુઆરીમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં, બંને પક્ષોએ દ્રિપક્ષીય આર્થિક સંબંધોની સમીક્ષા કરી હતી અને વ્યૂહાત્મક સહયોગ માટેના વધુ માર્ગોની શોધ કરી હતી.
કોન્સલ-જનરલ હિતોમી સાતો અને ઓનરરી કોન્સલ મૂકેશ પટેલે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના જનરલ મેનેજર સંજીવ મહેતાની ઉપસ્થિતિમાં ગુજરાત મેટ્રોમાં મુસાફરીનો અનુભવ લીધો હતો. સાતોએ મેટ્રોપોલિટન વિસ્તારમાં શહેરી પરિવહન કામગીરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધોરણો અને ટ્રાન્ઝિટ કનેક્ટિવિટીનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો.
કોન્સલ-જનરલ હિતોમી સાતોએ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (એસઆઈઆર)ની મુલાકાત લીધી હતી. ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (ડીઆઈસીડીએલ) અને ટાટા ઇલેક્ટ્રોનિક્સના અધિકારીઓએ કોન્સલ-જનરલને સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન સુવિધા અને તેની સાથે સંકળાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રગતિ વિશે માહિતગાર કર્યા હતા.
કોન્સલ-જનરલ હિતોમી સાતો અને ઓનરરી કોન્સલ મૂકેશ પટેલે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ગુજરાત-જાપાન સંબંધોને વધુ ગાઢ બનાવવા માટેની પરસ્પર પ્રતિબધ્ધતાનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો. આ ચર્ચામાં સંઘવીની તાજેતરની જાપાન મુલાકાતના અનુભવો અને ભવિષ્યના સહયોગ માટેના મુખ્ય ક્ષેત્રો વિશે વાતચીત થઈ હતી.
અમદાવાદમાં કોન્સલ-જનરલ હિતોમી સાતોનું આતિથ્ય કરવાનો મોકો મળવો એ ખૂબ જ ગૌરવની વાત છે.
ગુજરાત ઔદ્યોગિક નવીનતા, શિક્ષણ અને સાંસ્કૃતિક વિચારસરણી ક્ષેત્રે જાપાન સાથે ઊંડો અને મજબૂત સંબંધ ધરાવે છે. આ મુલાકાત પ્રાદેશિક સંબંધોને મજબૂત કરવાના, 'કાઇઝન' સિધ્ધાંતોને પ્રોત્સાહિત કરવા અને દ્રિપક્ષીય સદ્ભાવનાને વધુ ગાઢ બનાવવાના આપણા વિઝનને વધુ બળ આપે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ