
ગાંધીનગર, 07 નવેમ્બર (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સૌ નાગરિકો તથા વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને દિવાળી અને વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે. આ નૂતન વર્ષે સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંતોષ અને ઉત્તમ આરોગ્યનો પ્રકાશ પથરાય તથા દરેક પરિવારનું જીવન આનંદ અને ઉલ્લાસથી ભરપૂર બને તેવી અભ્યર્થના તેમણે વ્યક્ત કરી છે.
મુખ્યમંત્રીએ દિવાળી અને નવા વર્ષના શુભકામનાઓ પાઠવતા સંદેશમાં જણાવ્યું છે કે, વડાપ્રધાનએ આપેલો વિકસિત ભારતનો સંકલ્પ સાત કરોડ ગુજરાતીઓની સામૂહિક ઊર્જા, આત્મનિર્ભરતા અને કૌશલ્યના બળે ‘વિકસિત ગુજરાત’થી ‘વિકસિત ભારત’ના સાકાર કરવા ‘વી વિલ ડુ ઇટ’ના ધ્યેય સાથે આપણે તેમના નેતૃત્વમાં અગ્રેસર બનવું છે. દીપાવલીનું આ પર્વ માત્ર રોશનીનો ઉત્સવ નથી, પરંતુ આર્થિક સમૃદ્ધિ, સુશાસન, સુરક્ષા અને સામાજિક એકતાના નવા સંકલ્પો સાથે આગળ વધવાની પ્રેરણા આપતું પર્વ પણ છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતની આજની વિકાસયાત્રાની બુલંદીના પાયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2001થી શરૂ કરેલી સેવા અને સુશાસનની સતત અને અવિરત યાત્રા છે. ‘સંકલ્પથી સિદ્ધિ’ના માર્ગે ચાલીને ગુજરાત વૈશ્વિક સ્તરે ‘ગ્રોથ એન્જિન’ તરીકે પ્રસ્થાપિત થયું છે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના શાસનમંત્રને સાકાર કરીને રાજ્યમાં દરેક ક્ષેત્રે સર્વાંગી વિકાસનાં નવાં આયામો પાર પાડ્યાં છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનના ‘મિશન લાઈફ’ના મંત્રને આત્મસાત કરીને ગુજરાતે ગ્રીન ક્રેડિટ અને ‘એક પેડ માં કે નામ ૩.૦’ જેવા અભિયાનો દ્વારા પર્યાવરણ સંરક્ષણની દિશામાં નોંધપાત્ર કામગીરી કરી છે. કચ્છના રણથી લઈને ધોલેરા જેવા આધુનિક વિકાસ ક્ષેત્રોમાં વરસાદી પાણીના સંગ્રહ અને વૃક્ષારોપણના વિવિધ પ્રયોગો દ્વારા પર્યાવરણીય સંતુલન જાળવવાના પ્રયાસો થયા છે. આ અભિયાનોમાં રાજ્યની યુવા પેઢી પણ સક્રિય ભાગીદારીનો સંકલ્પ આ નવા વર્ષે લે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વણથંભી વિકાસયાત્રાને તેજ ગતિએ આગળ ધપાવવાના દ્રઢ સંકલ્પ સાથે સૌ કોઈ વિક્રમ સંવતના નૂતન વર્ષે વિકાસ માર્ગે વધુ ગતિમય બને અને આત્મનિર્ભર ભારત માટે વિકસિત ગુજરાતના સંવાહક બને તેવી અંતરની શુભકામનાઓ પણ પાઠવી છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ