રાજકોટની સ્કંદ લાઈફકેર હોસ્પિટલમાં 5.20 લાખની ઉચાપત: રિસેપ્શનિસ્ટ વિરુદ્ધ ગુનો નોંધાયો
હોસ્પિટલના સોફ્ટવેરમાં ખોટી એન્ટ્રીઓ કરી દર્દીઓની ફી અંગત ઉપયોગમાં વાપરી નાખનાર મહિલા સામે કાયદેસરની કાર્યવાહી રાજકોટ, 07 નવેમ્બર (હિ.સ.) રાજકોટના કુવાડવા રોડ પર ડી-માર્ટ પાસે આવેલી સ્કંદ લાઈફકેર હોસ્પિટલના સોફ્ટવેરમાં ખોટી એન્ટ્રીઓ કરી 5.20 લાખ
ફ્રોડ


હોસ્પિટલના સોફ્ટવેરમાં ખોટી એન્ટ્રીઓ કરી દર્દીઓની ફી અંગત ઉપયોગમાં વાપરી નાખનાર મહિલા સામે કાયદેસરની કાર્યવાહી

રાજકોટ, 07 નવેમ્બર (હિ.સ.) રાજકોટના કુવાડવા રોડ પર ડી-માર્ટ પાસે આવેલી સ્કંદ લાઈફકેર હોસ્પિટલના સોફ્ટવેરમાં ખોટી એન્ટ્રીઓ કરી 5.20 લાખનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. હોસ્પિટલના સંચાલક ડૉ. હાર્દિક ગીરીશ સંઘાણીએ સંત કબીર રોડ પર ભગીરથ સોસાયટીમાં રહેતી અને હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે ફરજ બજાવતી રીંકલ જીગ્નેશ ભાલુ વિરુદ્ધ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

આ કેસની વિગતવાર માહિતી મુજબ, આરોપી મહિલા છેલ્લા ચાર વર્ષથી હોસ્પિટલના રિસેપ્શન કાઉન્ટર પર સવારથી સાંજ સુધીની શિફ્ટમાં ફરજ બજાવતી હતી. તેની મુખ્ય જવાબદારી દર્દીઓ પાસેથી રોકડ તથા ઓનલાઇન માધ્યમથી મળતી સારવારની ફી સ્વીકારવાની અને તેની એન્ટ્રી હોસ્પિટલના સત્તાવાર સોફ્ટવેરમાં કરવાની હતી. વિશ્વાસના પાયા પર ચાલતી આ નોકરીમાં મહિલાએ પોતાના પદનો દુરુપયોગ કરી હિસાબમાં ગેરરીતિ આચરવાનું શરૂ કર્યું હતું.

સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ગત 31 ઓક્ટોબરના રોજ હોસ્પિટલના હિસાબોના નિયમિત વેરિફિકેશન દરમિયાન થયો હતો. સંચાલક અને મેનેજરે વાર્ષિક અને અર્ધવાર્ષિક હિસાબોની ચકાસણી કરતા બેંક ખાતામાં જમા થયેલી વાસ્તવિક રકમ અને સોફ્ટવેરની રિસીપ્ટ એન્ટ્રીના ડેટા વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો હતો. ગત પહેલી એપ્રિલથી 31 ઓક્ટોબર સુધીના સમયગાળામાં બેંકમાં અંદાજે પાંચ લાખ રૂપિયાથી વધુની રકમ ઓછી જમા થયાનું સ્પષ્ટપણે જણાઈ આવ્યું હતું.

હિસાબોમાં ગરબડ જણાતા સંબંધિત મહિલા કર્મચારી રજા પરથી પરત ફર્યા બાદ તેની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી હતી. શરૂઆતમાં તેણે ગલ્લા-તલ્લા કરી અસંતોષકારક જવાબો આપ્યા હતા અને વાતને ગોળગોળ ફેરવવાનો પ્રયાસ કર્યો હતો. અંતે મામલો પોલીસ સુધી પહોંચતા જ મહિલાએ ડરીને પોતે જ આ તમામ રકમ પોતાના અંગત જરૂરિયાતો અને ઉપયોગ માટે વાપરી નાખી હોવાની કબૂલાત કરી લીધી હતી.

આ ગંભીર બનાવને પગલે હોસ્પિટલ સંચાલકની ફરિયાદના આધારે પોલીસે જવાબદાર મહિલા સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. હોસ્પિટલના જ વિશ્વાસપાત્ર સ્ટાફ દ્વારા સોફ્ટવેરમાં છેડછાડ કરી આચરવામાં આવેલા આ વિશ્વાસઘાતના કૌભાંડથી સ્થાનિક તબીબી આફલ વર્તુળોમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande