જીએસઆરટીસી ‘દિવાળી એક્સ્ટ્રા બસ’ સેવા સ્થળની મુલાકાત લેતા આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા
સુરત, 07 નવેમ્બર (હિ.સ.) : દિવાળીના પાવન પર્વે દરેક નાગરિક વતનમાં પરિવારજનો સાથે તહેવારની ઉજવણી કરી શકે અને સલામત રીતે વતન પહોંચી શકે તેવા હેતુથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC), સુરત વિભાગ દ્વારા ‘દિવાળી એક્સ્ટ્રા બસ’ સેવાનું વિશેષ આય
GSRTC ‘Diwali Extra Bus’ service


સુરત, 07 નવેમ્બર (હિ.સ.) : દિવાળીના પાવન પર્વે દરેક નાગરિક વતનમાં પરિવારજનો સાથે તહેવારની ઉજવણી કરી શકે અને સલામત રીતે વતન પહોંચી શકે તેવા હેતુથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC), સુરત વિભાગ દ્વારા ‘દિવાળી એક્સ્ટ્રા બસ’ સેવાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

તહેવારો દરમિયાન મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાને રાખી સુરત વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને પંચમહાલ સહિતના વિવિધ વિસ્તારો તરફ જતા મુસાફરો માટે 1,500થી વધુ વધારાની બસો દોડાવાઈ રહી છે, ત્યારે આજે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ધારુકા કોલેજ, વરાછા રોડની મુલાકાત લઈ એક્સ્ટ્રા બસ સેવાની વ્યવસ્થાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. મંત્રીએ બસમાં મુસાફરી કરી રહેલા નાગરિકો સાથે આત્મીયતાપૂર્વક વાતચીત કરી મુસાફરલક્ષી સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી તથા સૌને સુખદ અને સલામત પ્રવાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

મંત્રીએ વધુમાં વધુ મુસાફરોને આ વિશેષ બસ સેવાનો લાભ લેવા અપીલ કરતાં જણાવ્યું હતું કે, તહેવારોના અવસરે નાગરિકો સરળતાથી અને સમયસર વતન પહોંચી શકે તે માટે રાજ્ય સરકાર અને એસ.ટી. નિગમ દ્વારા સુદ્રઢ વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરોની સુવિધા, સુરક્ષા અને સમયસર પરિવહન માટે નિગમના કર્મચારીઓ અને અધિકારીઓ સતત સેવા આપી રહ્યા છે.

આ સંવેદનશીલ આયોજન બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતાં મંત્રીએ ઉમેર્યું હતું કે, દિવાળીના દિવસોમાં સુરત શહેરમાંથી પોતાના વતન તરફ હજારોની સંખ્યામાં લોકો જતા હોય છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ તહેવારોના સમયે નાગરિકોને સુવિધાસભર પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવા માટે નિગમ કટિબદ્ધ છે. માદરે વતન જતા મુસાફરોની યાત્રા સુખદ, સલામત અને આરામદાયક બને તે જ આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય છે. મુલાકાત વેળાએ મંત્રી સાથે સુરત એસટીના વિભાગીય નિયામક પી. વી. ગુર્જર, એસ.ટી. અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુરતના આ સ્થળોએથી ઉપડે છે એક્સ્ટ્રા બસો:

તા.7/11/2026 સુધી સાંજે 04:00 થી રાત્રે 10:00 વાગ્યા સુધી સૌરાષ્ટ્ર તરફનું એકસ્ટ્રા બસોનું સંચાલન ધારુકા કોલેજ, વરાછા રોડ ખાતેના મેદાનમાંથી તથા દાહોદ, ગોધરા, ઝાલોદ, પંચમહાલ તરફનું સંચાલન એસ.ટી. સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે આવેલ સીટી સ્ટેન્ડમાંથી અને રામનગર, રાંદેર રોડથી શરૂ છે. આ ઉપરાંત, ટ્રાફિકના ધસારાને ધ્યાને લઈ તા.08/11/2026 થી તા.15/11/2026 (લાભ પાંચમ) સુધી વડોદરા અને અમદાવાદની એક્સ્ટ્રા બસો સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનથી મળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande