ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 માટે હાઇ-લેવલ રોડ-શો યોજાયો
ગાંધીનગર, 07 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકારના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે 26 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027નો રોડ-શો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ ડેલીગેશનનું નેતૃત્વ ગુજરા
હાઇ-લેવલ રોડ-શો યોજાયો


હાઇ-લેવલ રોડ-શો યોજાયો


હાઇ-લેવલ રોડ-શો યોજાયો


ગાંધીનગર, 07 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકારના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે 26 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027નો રોડ-શો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ ડેલીગેશનનું નેતૃત્વ ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામીણ ગૃહનિર્માણ તથા કાયદાકીય અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે કર્યું હતું.

ડેલીગેશનના આ આઠ દિવસીય પ્રવાસ દરમિયાન પ્રતિનિધિમંડળે 11 વન-ટુ-વન બેઠકો, 4 મંત્રીસ્તરીય બેઠકો અને 8 સેક્ટર-આધારિત રાઉન્ડટેબલ ચર્ચાઓ કરી હતી, જેમાં 150 થી વધુ વેપારીઓ, ઔદ્યોગિક આગેવાનો અને સરકારી પ્રતિનિધિઓ જોડાયા હતા. આ સિવાય પ્રતિનિધિમંડળે બંને દેશોમાં 6 સાઇટ અને ફેસિલિટી મુલાકાત લીધી હતી. આ ઉપરાંત ૩ પ્રવાસી ભારતીય કાર્યક્રમોમાં (ડાયસ્પોરા) હાજરી આપી હતી.

ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડમાં યોજાયેલ આ રોડ-શો 10 થી 12 જાન્યુઆરી 2027 દરમિયાન યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ના ભાગરુપે યોજવામાં આવ્યો હતો. આ રોડ-શોનો મુખ્ય હેતુ આર્થિક ભાગીદારી મજબૂત કરવાનો, રોકાણ આકર્ષવાનો અને ક્રિટિકલ મિનરલ્સ, ઉર્જા, રિન્યુએબલ એનર્જી, ટેકનોલોજી, લોજિસ્ટિક્સ, શિક્ષણ, સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવાસન ક્ષેત્રે ગુજરાતમાં રહેલી તકોને વૈશ્વિક મંચ પર રજૂ કરવાનો હતો.

આ રોડ-શોમાં મંત્રી ઋષિકેશ પટેલની સાથે ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ રૂપવંત સિંહ (IAS) અને કમિશનર ઓફ જીઓલોજી એન્ડ માઇનિંગ ડૉ. ધવલ પટેલ (IAS) નો સમાવેશ થાય છે.

આ ડેલીગેશનમાં મંત્રી અને અધિકારીઓ ઉપરાંત શક્તિ ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન અને એમડી શ્રેયાંશ ગોયલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ (પ્રોજેક્ટ ડેવલપમેન્ટ) મેહુલ વૈદ્ય, અલેક્સિયસ પ્રોજેક્ટ્સ પ્રા. લિ.ના ડિરેક્ટર શ્રી મિલન ઠક્કર, અને હિન્દુસ્તાન મેગ પ્રા. લિ.ના સ્થાપક અને ડિરેક્ટર હર્ષિલ તમાકુવાલા પણ જોડાયા હતા.

ઓસ્ટ્રેલિયામાં મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં ડેલીગેશને 26 થી 30 ઓક્ટોબર 2026 દરમ્યાન મેલબોર્ન, સિડની અને બ્રિસ્બેનની મુલાકાત લીધી હતી. અહીં અગ્રણી કંપનીઓ, રોકાણકારો અને સંસ્થાઓ જેવી કે Cavendish Renewable Technology, Cox Architecture, Initiative Sports & Events, Eyeonic, Progia Foods, Aus Energy Store, Centre for Australia–India Relations, Endua અને Populous સાથે 9 વન-ટુ-વન બેઠકો યોજી હતી.

ડેલીગેશને 3 મંત્રીસ્તરીય બેઠક યોજી હતી, જેમાં NSW સરકારના મંત્રી અનોલક ચંથીવોંગ (Hon. Anoulack Chanthivong, MP), NSW પાર્લામેન્ટરી ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયાના કો-ચેર માનનીય વોરેન કિર્બી (Hon. Warren Kirby, MP, અને NSW શેડો મિનિસ્ટર માર્ક જોસેફ કુરે (Mr. Mark Joseph Coure, MP) સાથે દ્વિપક્ષીય વેપાર, રોકાણ અને ગુજરાતના પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોમાં સહયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ઓસ્ટ્રેલિયામાં સરકાર, ઉદ્યોગો, શિક્ષણ ક્ષેત્ર અને સ્ટાર્ટઅપ્સના 100થી વધુ સહભાગીઓ સાથે 6 સેક્ટર-આધારિત રાઉન્ડટેબલ પરિસંવાદો યોજાયા હતા. AFL, TerraNext વર્લ્ડ, સ્માર્ટ એનર્જી કાઉન્સીલ અને INQ ઈનોવેશન ગ્લોબલ દ્વારા આયોજિત આ સત્રોમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મોટા કાર્યક્રમો, ક્રિટિકલ મિનરલ સપ્લાય ચેઇન, રિન્યુએબલ એનર્જી અને ઇનોવેશન-આધારિત ઉદ્યોગ પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, સિડનીમાં 'બીજી ઓસ્ટ્રેલિયા-ઇન્ડિયા બિઝનેસ મીટ 2026' અને બ્રિસ્બેનમાં ક્વીન્સલેન્ડ સરકારના ઉચ્ચ-સ્તરીય કાર્યક્રમમાં બ્રિસ્બેન 2032 ઓલિમ્પિક અને પેરાલિમ્પિક રમતો સંબંધિત તકો વિશે ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાતની પ્રાથમિકતાઓને અનુરૂપ શ્રેષ્ઠ પદ્ધતિઓનો અભ્યાસ કરવા માટે પ્રતિનિધિમંડળે મોનાશ યુનિવર્સિટી, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (MCG), માર્વેલ સ્ટેડિયમ અને ગાબા સ્ટેડિયમની પણ મુલાકાત લીધી હતી. આ પ્રવાસના ભાગરુપે મેલબોર્ન અને બ્રિસ્બેનમાં ભારતીય અને ગુજરાતી સમુદાય સાથે 2 કાર્યક્રમો યોજાયા હતા, જેમાં તેમને VGGS 2027માં ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાવા આમંત્રણ અપાયું હતું.

ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ પૂર્ણ કરી ડેલીગેશને 1 અને 2 નવેમ્બર 2026ના રોજ ન્યુઝીલેન્ડમાં ઓકલેન્ડની મુલાકાત લીધી હતી. ન્યુઝીલેન્ડમાં કોન્ટેક્ટ એનર્જી અને સર્વિસ ફુડ સાથે વન-ટુ-વન બેઠકો યોજાઈ હતી.તેમજ ન્યુઝીલેન્ડ સરકારના આરોગ્ય, ઉર્જા અને સ્ટેટ-ઓન્ડ એન્ટરપ્રાઇઝિસના મંત્રી સિમિયોન બ્રાઉન (Mr. Simeon Brown) સાથે મંત્રીસ્તરીય બેઠક યોજાઈ હતી.

ઇન્ડિયા ન્યુઝીલેન્ડ બિઝનેસ કાઉન્સિલ (INZBC) અને ઇન્ડિયા ન્યુઝીલેન્ડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (INZCCI) દ્વારા આયોજિત 2 રાઉન્ડટેબલ પરિસંવાદોમાં 50થી વધુ અગ્રણીઓએ ભાગ લીધો હતો. આ બેઠકોમાં Mainfreight Air & Ocean, Hiringa Energy, Energy Resources Aotearoa, બેન્ક ઓફ ન્યુઝીલેન્ડ (BNZ), એલીમેન્ટલ ગ્રુપ અને Taranaki ચેમ્બર ઓફ કોમર્સ જેવી સંસ્થાઓ જોડાઈ હતી.

પ્રતિનિધિમંડળે Contact Energyના પ્રથમ ગ્રીડ-સ્કેલ 'ગ્લેનબ્રુક ઓહુરુઆ બેટરી પ્રોજેક્ટ' ની મુલાકાત લીધી હતી. આ સત્રો દરમિયાન રિન્યુએબલ એનર્જી, બેટરી સ્ટોરેજ, લોજિસ્ટિક્સ, બેંકિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસિસ, વૈજ્ઞાનિક સંશોધન અને ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ઓકલેન્ડ ખાતે યોજાયેલા ડાયસ્પોરા કાર્યક્રમમાં ન્યુઝીલેન્ડમાં વસતા ભારતીય અને ગુજરાતી સમુદાય સાથે પણ બેઠક યોજવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande