
- વ્યાજખોરી અને ખંડણીના ચકચારી મામલે આરોપીઓને મળ્યા આગોતરા જામીન, 16 ડિસેમ્બર 2026ના રોજ વધુ સુનાવણી
જામનગર, 07 નવેમ્બર (હિ.સ.) જામનગરના અગ્રણી બિલ્ડર મેરામણ પરમારના અવસાન સાથે જોડાયેલા અને 153 કરોડ રૂપિયાથી વધુની મિલકતો વ્યાજખોરીમાં પડાવી લેવાના ચકચારી મામલામાં ગુજરાત હાઇકોર્ટે મોટો આદેશ આપ્યો છે. આ ગંભીર કેસમાં સંડોવાયેલા તમામ 11 આરોપીઓની ધરપકડ સામે હાઇકોર્ટે હાલ પૂરતો સ્ટે ફરમાવીને આગોતરા રાહત આપી છે. કોર્ટે બંને પક્ષોની દલીલો અને રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવા ધ્યાને રાખીને આ વચગાળાનું રક્ષણ મંજૂર કર્યું છે.
આ કેસની વિગતો અનુસાર, 10 જાન્યુઆરી 2025ના રોજ મેરામણ પરમારને બેભાન અવસ્થામાં કે.ડી. હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડેથ સમરી મુજબ કાર્ડિયાક અરેસ્ટ અને હૃદય સંબંધિત જટિલતાઓને કારણે તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ 31 જાન્યુઆરી 2025ના રોજ મૃતકના પુત્ર દ્વારા ગાંધીનગર પોલીસમાં અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ લાંબા સમય પછી 27 ઓગસ્ટ 2026ના રોજ પોલીસમાં વિધિવત એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.
ફરિયાદપક્ષ દ્વારા 29 ડિસેમ્બર 2024 અને 2 જાન્યુઆરી 2025ના રોજ લખાયેલી સ્યુસાઇડ નોટ્સને મુખ્ય આધાર બનાવવામાં આવ્યો છે, જે 21 જાન્યુઆરી 2025ના રોજ મળી આવી હતી. આ ચિઠ્ઠીઓમાં વ્યાજખોરી અને નાણાકીય લેવડદેવડના નામે હેરાનગતિના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. બીજી તરફ, તપાસના કાગળો દર્શાવે છે કે મૃતક અને તેમના પરિવારે અગાઉ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજો કર્યા હતા તેમજ નાણાકીય ધીરાણ અને મિલકતો અંગે અગાઉથી જ સિવિલ દાવાઓ પણ પેન્ડિંગ છે.
કેસમાં રજૂ કરાયેલી દલીલો મુજબ, ફરિયાદમાં કેટલીક મહિલાઓને આરોપી બનાવવામાં આવી છે પરંતુ સ્યુસાઇડ નોટ્સમાં તેમના નામોનો ઉલ્લેખ નથી. આ ઉપરાંત, આરોપી વિશાલ દોમડીયાનું નામ પણ સ્યુસાઇડ નોટમાં નથી અને તેમની ભૂમિકા માત્ર મૃતક પાસેથી મિલકત ખરીદનાર તરીકેની છે. આરોપી પક્ષ તરફથી પ્રવીણ દોમડીયા, વિશાલ દોમડીયા અને કાંતાબેન દોમડીયા સહિતના અરજદારો માટે સિનિયર એડવોકેટો દ્વારા હાઇકોર્ટમાં અસરકારક રજૂઆતો કરવામાં આવી હતી.
ગુજરાત હાઇકોર્ટે પ્રાથમિક સુનાવણી બાદ આરોપીઓને ધરપકડ સામે રક્ષણ આપીને આગામી તારીખ સુધી પોલીસને કોઈ પગલાં ન લેવા કડક આદેશ કર્યો છે. આ કેસની આગળની સુનાવણી હવે 16 ડિસેમ્બર 2026ના રોજ મુકરર કરવામાં આવી છે. હાઇકોર્ટના આ આદેશથી વ્યાજખોરી અને ખંડણીના આ ચર્ચિત કેસમાં આરોપી પક્ષને મોટી રાહત મળી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt