
જૂનાગઢ 7 નવેમ્બર (હિ.સ.) : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ ખાતે નોકરી દાતાઓ તથા રોજગારવાચ્છુંઓ વચ્ચે સેતુરૂપ બનવાના ઉમદા હેતુથી ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં જૂનાગઢ જિલ્લાના ઉમેદવારોને ઈ-મેઇલ અને સોશિયલ મીડિયાના જુદા-જુદા માધ્યમથી ઈન્ટરવ્યુ પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી કુલ ૫૮ થી વધુ ઉમવારો હાજર રહ્યા હતા.
આ ભરતી મેળામાં ઉપસ્થિત તમામ નોકરીદાતાઓ અને પ્રતિનિધીશ્રીઓ જેમાં ચોકસી વછરાજ મકની એન્ડ કંપની, એસ.આર.હોસ્પિટાલીટી (લા-પિનોઝ પિઝા) તથા ઇન્ડુસઇન્ડ નિપ્પોન લાઇફ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા પોતાની કંપનીઓ ખાતે ખાલી રહેલી વિવિધ જગ્યાઓ, કામગીરી, મહેનતાણું તથા અન્ય મળવાપાત્ર સુવિધાઓથી માહિતગાર કર્યા હતા. ઉમેદવારો માટે ઈન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં હાજર રહેલા પૈકી ૪૫ ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ તથા આવડતના આધારે રોજગાર વાંચ્છુંઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.
આ ઉપરાંત જિલ્લા રોજગાર કચેરીના પ્લેસમેન્ટ ઓફિસર દ્વારા રોજગાર કચેરીની વિવિધ સેવાઓથી ઉપસ્થિત ઉમેદવારોને માહિતગાર કર્યા હતા. જેમાં મુખ્ય નામ નોંધણી, કારકીર્દિ માર્ગદર્શન, નિવાસી તાલીમ યોજના, પી.એમ. ઇન્ટર્નશીપ સ્કિલ, સ્થાનિક રોજગારીનો ખ્યાલ તથા આગામી માસમાં યોજાનારા ભરતી મેળાઓ, સેમિનાર અંગે માહિતી આપવામાં આવી હતી. તેમ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢનિ યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ