માંડવીની ભરબજારે લોહિયાળ ઘટના! દિવાળીની ખરીદી કરવા આવેલી પત્ની પર પતિનો છરી વડે જીવલેણ હુમલો, યુવતીનું મોત
કચ્છ, 07 નવેમ્બર (હિ.સ.) કચ્છના માંડવી શહેરમાં દિવાળીના તહેવારની ખરીદીની ભીડ વચ્ચે એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરની મુખ્ય બજારમાં ગત મોડી સાંજના વ્યસ્ત સમયે એક યુવતીની સરાજાહેર છરીના ઘા મારી હત્યા કરવામાં આવતાં સમગ્ર પંથકમા
માંડવી ખાતે હત્યાનો બનાવ


માંડવી ખાતે હત્યાનો બનાવ


કચ્છ, 07 નવેમ્બર (હિ.સ.) કચ્છના માંડવી શહેરમાં દિવાળીના તહેવારની ખરીદીની ભીડ વચ્ચે એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરની મુખ્ય બજારમાં ગત મોડી સાંજના વ્યસ્ત સમયે એક યુવતીની સરાજાહેર છરીના ઘા મારી હત્યા કરવામાં આવતાં સમગ્ર પંથકમાં ભારે સનસનાટી ફેલાઈ ગઈ છે. બહેનપણી સાથે દિવાળીની ખરીદી કરવા નીકળેલી 43 વર્ષીય પરિણીતાને તેના જ પતિએ જાહેરમાં નિશાન બનાવતાં બજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, નજીકના સલાયા ગામની રહેવાસી પાર્વતી બાબુરામ પાંજરીવાલા (ખારવા) પોતાની બહેનપણી સંધ્યા દુર્ગેશ ચાવડા સાથે માંડવીની મુખ્ય બજારમાં ખરીદી માટે આવી હતી. દરમિયાન ફૂલવાડી નજીક તેનો પતિ જયંતી રાજગોર અચાનક ત્યાં આવી પહોંચ્યો હતો. ત્યારબાદ કોઈને કંઈ સમજાય તે પહેલાં જ તેણે પાર્વતી પર છરી વડે હુમલો કરી દીધો હતો. હુમલામાં પાર્વતીના પેટ અને સાથળ સહિત શરીરના વિવિધ ભાગોમાં છરીના અનેક ઘા વાગતાં તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડી હતી.

ઘટનાને પગલે બજારમાં હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ગંભીર રીતે ઘવાયેલી પાર્વતીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા માટે સ્થાનિક સેવાભાવી લોકો આગળ આવ્યા હતા. સાંકડી બજારની ગલીઓમાં વાહન લઈ જવું મુશ્કેલ હોવાથી લોકોએ હાથલારીની મદદથી તેને મુખ્ય માર્ગ સુધી પહોંચાડી સરકારી હોસ્પિટલ ખસેડી હતી. જોકે, હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબ ડૉ. ફાલ્ગુની ધુલીયાએ તપાસ બાદ પાર્વતીને સારવાર મળે તે પહેલાં જ મૃત જાહેર કરી હતી.

બનાવની જાણ થતાં માંડવી પોલીસ મથકના પીઆઈ ચેતક બારોટ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે અને સરકારી હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક માહિતી મુજબ પાર્વતી અને જયંતી રાજગોરે મંદિરમાં પ્રેમલગ્ન કર્યાં હતાં. હુમલા બાદ જયંતી છરી સાથે જાતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હોવાની માહિતી પણ સામે આવી છે.

દિવાળીના તહેવારની ખુશીઓ વચ્ચે બનેલી આ કરુણ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. પતિએ આટલું આત્યંતિક પગલું શા માટે ભર્યું અને ઘટનાની પાછળનું ચોક્કસ કારણ શું છે તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. પાર્વતીના પરિવારજનો તથા સંબંધિત લોકો પાસેથી વિગતો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ભરચક બજારમાં બનેલી આ ઘટનાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર કચ્છમાં આ બનાવ ચર્ચાનો વિષય બન્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande