ધનતેરસે નખત્રાણાની બજારોમાં સોનાની ચમક! મોડી રાત સુધી જ્વેલર્સ શોરૂમમાં ખરીદીનો માહોલ, ગૃહિણીઓએ મનભરીને સાચવ્યું શુકન
કચ્છ, 07 નવેમ્બર (હિ.સ.) દિવાળીના પર્વનો પ્રારંભ થતાં જ નખત્રાણા નગરમાં ધનતેરસની ખરીદીનો ઉત્સાહ છવાયો હતો. ધનતેરસના શુભ દિવસ અને પુષ્ય નક્ષત્રના સંયોગને ધ્યાનમાં રાખીને નગરજનોમાં સોના-ચાંદીની ખરીદી માટે ખાસ ઉમંગ જોવા મળ્યો હતો. પરંપરા અને આસ્થાના
નખત્રાણામાં ધનતેરસ ખરીદી


નખત્રાણામાં ધનતેરસ ખરીદી


કચ્છ, 07 નવેમ્બર (હિ.સ.) દિવાળીના પર્વનો પ્રારંભ થતાં જ નખત્રાણા નગરમાં ધનતેરસની ખરીદીનો ઉત્સાહ છવાયો હતો. ધનતેરસના શુભ દિવસ અને પુષ્ય નક્ષત્રના સંયોગને ધ્યાનમાં રાખીને નગરજનોમાં સોના-ચાંદીની ખરીદી માટે ખાસ ઉમંગ જોવા મળ્યો હતો. પરંપરા અને આસ્થાના પ્રતીકરૂપે ધનતેરસના દિવસે કિંમતી ધાતુઓની ખરીદીને શુભ માનવામાં આવતી હોવાથી નખત્રાણાના બજારોમાં સવારથી જ ગ્રાહકોની અવરજવર શરૂ થઈ ગઈ હતી, જે મોડી રાત સુધી યથાવત રહી હતી.

નખત્રાણાની મુખ્ય બજારમાં આવેલી સોના-ચાંદીની દુકાનોમાં દિવસભર ખરીદદારોની ભારે ભીડ જોવા મળી હતી. ખાસ કરીને શ્રી મહાલક્ષ્મી જ્વેલર્સ અને મધુસુદન જ્વેલર્સ સહિતના જ્વેલરી શોરૂમમાં ગ્રાહકોનો ઉત્સાહ નોંધપાત્ર રહ્યો હતો. ધનતેરસના શુભ મુહૂર્તમાં ખરીદી કરવા માટે મહિલાઓ અને ગૃહિણીઓ પરિવારજનો સાથે બજારમાં ઉમટી પડી હતી. કોઈએ સોના-ચાંદીના સિક્કા ખરીદ્યા તો કોઈએ લક્ષ્મીજી અને ગણેશજીની આકર્ષક ફ્રેમ, પૂજામાં ઉપયોગી ચાંદીની વસ્તુઓ તેમજ નાની-મોટી જ્વેલરીની ખરીદી કરી હતી. બજારમાં ખરીદીની સાથે તહેવારની રોનક પણ જોવા મળી હતી.

નખત્રાણાની મુખ્ય બજારમાં જ્વેલરીનો વ્યવસાય કરતા વેરશી રબારીએ જણાવ્યું હતું કે ધનતેરસ નિમિત્તે સવારથી જ ગ્રાહકોનો પ્રવાહ શરૂ થયો હતો. ગૃહિણીઓએ પોતાની પસંદગી અને બજેટ પ્રમાણે સોના-ચાંદીની વિવિધ વસ્તુઓની ખરીદી કરી હતી. સાંજ પડ્યા બાદ પણ ગ્રાહકોની અવરજવર ચાલુ રહેતાં દુકાનોમાં સતત ધમધમાટ જોવા મળ્યો હતો.

આ વર્ષે ખરીદીમાં ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોનો પણ નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો હતો. આસપાસનાં ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ધનતેરસની ખરીદી માટે નખત્રાણા પહોંચ્યા હતા. સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીની તકોમાં વધારો થતાં ખરીદશક્તિમાં સકારાત્મક અસર જોવા મળી રહી છે. દુષ્કાળની પરિસ્થિતિ હોવા છતાં તેની અસર તહેવારની ખરીદી પર વિશેષ જોવા મળી ન હતી. ગત સીઝનની સરખામણીએ આ વખતે ગ્રાહકો વધુ ઉત્સાહથી ખરીદી કરતા નજરે પડ્યા હતા.

સામાન્ય દિવસોમાં સાંજે સાત વાગ્યા આસપાસ બંધ થઈ જતી નખત્રાણાની જ્વેલરી દુકાનો ધનતેરસના દિવસે રાત્રે નવ વાગ્યા સુધી ખુલ્લી રહી હતી. આમ, ધનતેરસે નખત્રાણાની બજારમાં સોના-ચાંદીની ચમક સાથે વેપાર-ધંધામાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. તહેવારની ખુશી, પરંપરામાં શ્રદ્ધા અને ખરીદીના ઉમંગે નખત્રાણાના વેપારીઓ માટે ધનતેરસનો દિવસ યાદગાર બનાવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande