



કચ્છ, 07 નવેમ્બર (હિ.સ.) : સામાન્ય રીતે કોઈ સમસ્યા કે ફરિયાદ હોય ત્યારે નાગરિકો પોલીસ મથકના દ્વારે પહોંચતા હોય છે, પરંતુ નખત્રાણામાં દિવાળીના પર્વ દરમિયાન પોલીસનો એક અલગ જ અભિગમ જોવા મળ્યો હતો. અહીં પોલીસ પોતે વેપારીઓના દ્વારે પહોંચી હતી અને દુકાને દુકાને જઈ તેમના ખબરઅંતર પૂછવાની સાથે ધંધા-રોજગારની સ્થિતિ, બજારની સમસ્યાઓ અને સુરક્ષા વ્યવસ્થાની જાણકારી મેળવી હતી. પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધોને વધુ આત્મીય બનાવતી આ પહેલે 'પોલીસ પ્રજાનો મિત્ર છે' એ ઉક્તિને સાચા અર્થમાં સાર્થક કરી હતી.
દિવાળીના તહેવારો દરમિયાન નખત્રાણા શહેરના મુખ્ય બજારોમાં ખરીદી માટે લોકોની ભારે અવરજવર રહેતી હોય છે. મોડી રાત સુધી બજારોમાં ચહલપહલ રહેતી હોવાથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ નાગરિકો અને વેપારીઓ નિર્ભય વાતાવરણમાં તહેવારની ઉજવણી કરી શકે તે માટે નખત્રાણા પોલીસ દ્વારા વિશેષ સક્રિયતા દાખવવામાં આવી રહી છે.
પીઆઈ એ.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક ઇન્ચાર્જ નિકુંજદાન ગઢવી, વિશ્નુભાઈ માજીરાણા તથા ટીઆરબી સ્ટાફ દ્વારા શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસ કર્મચારીઓ માત્ર રસ્તા પર પેટ્રોલિંગ કરીને અટક્યા નહોતા, પરંતુ જવેલર્સ, કાપડ સહિત વિવિધ દુકાનોમાં રૂબરૂ જઈ વેપારીઓ સાથે સંવાદ સાધ્યો હતો.
વેપારીઓને બજારમાં ટ્રાફિકની સમસ્યા, દુકાનોની સુરક્ષા, ચોરી કે અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ અંગે કોઈ મુશ્કેલી છે કે કેમ તે અંગે પૂછપરછ કરવામાં આવી હતી. ખાસ કરીને સોનાચાંદીના વેપારીઓ પાસેથી સુરક્ષા વ્યવસ્થાની વિગતો મેળવી જરૂરી સાવચેતી રાખવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ નજરે પડે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ અપીલ કરાઈ હતી.
પોલીસની આ કામગીરીને વેપારીઓ તરફથી આવકાર મળ્યો હતો. નિયમિત પેટ્રોલિંગની સાથે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દુકાને આવીને સમસ્યાઓ સાંભળે તેનાથી વેપારીઓમાં સુરક્ષાની લાગણી મજબૂત બની હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.
આમ, દિવાળીના ઉત્સવ વચ્ચે નખત્રાણા પોલીસે માત્ર બંદોબસ્ત પૂરતો અભિગમ ન રાખતાં જનસંપર્કને પણ પ્રાધાન્ય આપ્યું હતું. પોલીસ જ્યારે પ્રજાની વચ્ચે પહોંચે, તેમની વાત સાંભળે અને સમસ્યાના ઉકેલ માટે સહભાગી બને ત્યારે જ સાચા અર્થમાં વિશ્વાસનું વાતાવરણ ઊભું થાય છે. નખત્રાણા પોલીસની આ પહેલે ખાખી વર્દી પાછળ રહેલી સંવેદનશીલતા અને લોકસેવાની ભાવનાનો સુંદર પરિચય કરાવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar