
કાર, દારૂનો જથ્થો મળી 11.77 લાખનો મુદામાલ જપ્ત : થાનના સપ્લાયર અને માલ મંગાવનાર જામનગરના શખ્સ સહિત 3 ની સંડોવણી ખુલી
જામનગર, 07 નવેમ્બર (હિ.સ.) : જામનગર શહેર-જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જેના ભાગરૂપે ધ્રોલ-જોડિયા રોડ પર પશુ દવાખાનાની સામે સ્થાનીક પોલીસે વોચ ગોઠવી કિયા સેલ્ટોસ કારને અટકાવી તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના ૨,૧૬૦ ચપટા મળી આવ્યા હતા. પોલીસે કારચાલકની ધરપકડ કરી 11.77 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૂનો જથ્થો થાનના શખ્સે મોકલ્યો છે અને જામનગર નંદનવનના શખ્સે મંગાવ્યો હોવાનું સામે આવ્યુ છે આ બંનેને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ધ્રોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પ્રોહિબિશન અને જુગારના ગુનાઓ શોધવા પેટ્રોલિંગમાં હતો, ત્યારે ધ્રોલ-જોડિયા રોડ ઉપર ગાંધીચોક પાસે ખાનગી રાહે બાતમી મળી હતી કે, લતીપર તરફથી ધ્રોલ તરફ કિયા સેલ્ટોસ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને એક શખ્સ આવી રહ્યો છે. જેના આધારે પોલીસે પંચોને સાથે રાખી ધ્રોલ-જોડિયા રોડ પર પશુ દવાખાનાની સામે વોચ ગોઠવી હતી.
દરમિયાન વહેલી સવારે બાતમીવાળી કાર આવતાં તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી. કારચાલકની પૂછપરછ કરતાં તેનું નામ સુનિલ જયસુખ મકવાણા કોળી , રહે. શિવશક્તિ સોસાયટી, મયુર ક્લિનિકવાળી ગલી, હાપા, જામનગર હોવાનું ખુલ્યું હતું.
કારની તપાસ દરમિયાન ડ્રાઇવર સીટની બાજુમાં, પાછળની સીટમાં તથા ડેકીમાં બોક્સ મળી આવ્યાં હતાં. આથી તપાસ કરતાં મધ્યપ્રદેશમાં વેચાણ માટે જ દર્શાવેલા કુલ 2160 કંપની સીલબંધ ચપટા મળી આવ્યા હતા. જેની કિંમત 3,67,200 થાય છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત હેરાફેરીમાં વપરાયેલી 8 લાખની કિયા સેલ્ટોસ કાર અને 10 હજારનો મોબાઇલ ફોન મળી કુલ 11,77,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
કારચાલક સુનિલ મકવાણાની પુછપરછ કરતા દારૂનો જથ્થો સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં રહેતા મેહુલભાઈ કોળીએ ભરી આપ્યો હતો. જ્યારે આ જથ્થો જામનગરની સાધના કોલોની, નંદનવન સોસાયટી, પીજારા વાસમાં રહેતા સાહીલ ફિરોજભાઈ મોદીએ મંગાવ્યો હોવાનું તેમજ ધુંવાવ ગામના મુસ્તાક સફીયાની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt