
સુરત, 07 નવેમ્બર (હિ.સ.) : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ટી. એન્ડ ટી. વી. નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ વિભાગ દ્વારા ડુમસ વિસ્તારના સ્થાનિક નાગરિકોને મળી વરસાદી પાણીના સંગ્રહ અંગેના તેમના જ્ઞાન અને વલણ વિષયક એક મહત્વપૂર્ણ સંશોધન અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. આ સંશોધન અહેવાલને કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી. આર. પાટીલને સુરત ખાતે રૂબરૂમાં સુપરત કરાયો હતો.
બિલીમોરાની વતની અને ટી. એન્ડ ટી. વી. નર્સિંગની વિદ્યાર્થિની જ્હાનવી ઢીમ્મર દ્વારા સંસ્થાના આચાર્ય પ્રો. કિરણકુમાર વી. દોમડિયાના માર્ગદર્શન હેઠળ આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ વર્ણનાત્મક સંશોધન અભ્યાસમાં ડુમસના કુલ 200 ઘરમાલિકોને સામેલ કરવામાં આવ્યા હતા. અભ્યાસના તારણો અનુસાર આ નાગરિકોમાં વરસાદી પાણીના સંગ્રહ અંગેનો સરેરાશ જ્ઞાન સ્કોર 54.8 ટકા રહ્યો હતો, જ્યારે 57 ટકા ઘરમાલિકોનું વલણ પ્રતિકૂળ હોવાનું જણાયું હતું. એટલું જ નહીં, 65.5 ટકા નાગરિકોને રેઈનવોટર હાર્વેસ્ટિંગ અંગે અગાઉથી કોઈ પૂર્વ જ્ઞાન ન હોવાનું પણ સામે આવ્યું છે. વૈશ્વિક તાપમાન વૃદ્ધિ અને આબોહવા પરિવર્તનના વર્તમાન સમયમાં જળસંકટ એક ગંભીર પડકાર બની રહ્યો છે. આ પરિસ્થિતિમાં કેન્દ્ર સરકારના “કેચ ધ રેઈન” અભિયાન અને “જલ જીવન મિશન” અંતર્ગત ઘર-સ્તરે વરસાદી પાણીનો સંગ્રહ, રીચાર્જ પિટનું નિર્માણ તથા પાણીના વિવેકપૂર્ણ ઉપયોગની અનિવાર્ય આવશ્યકતા છે એમ જ્હાનવી ઢીમ્મરે જળશક્તિ મંત્ર સી.આર.પાટિલ સમક્ષ પ્રેઝન્ટેશન કરતા જણાવ્યું હતું. ટી. એન્ડ ટી. વી. સંસ્થા તમામ નાગરિકોને જળ બચાવવા અને વરસાદી પાણીના સંચય માટે જાગૃત થવા સતત પ્રયત્નશીલ છે.
કેન્દ્રીય જલ શક્તિમંત્રીએ આ યુવા દીકરીના સંશોધનની પ્રશંસા કરી અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ, ભવિષ્યમાં જલ મંત્રાલય સંબંધિત કોઈપણ સંશોધન કાર્ય માટે આર્થિક તેમજ તમામ પ્રકારનો સહકાર પૂરો પાડવાની ખાતરી આપી શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રેઝન્ટેશન વેળાએ પ્રસંગે ગુજરાત નર્સિંગ એસોસિયેશનના સચિવ અને નર્સિંગ કાઉન્સિલના ઉપાધ્યક્ષ ઈકબાલ કડીવાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ઈકબાલ કડીવાલાએ જણાવ્યું કે, કોઈ દેશમાં નર્સિંગના ઇન્સ્ટીટયુટના પીજીની વિદ્યાર્થીની દ્વારા જળસંચય અને સંરક્ષણ અંગે સંશોધન થયું હોય એવી આ પ્રથમ ઘટના છે. તેમણે આ રિસર્ચબદલ સંસ્થાને શુભેચ્છા આપી સૌને પાણી બચાવવા, વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા વધુમાં વધુ રેઇન વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રક્ચર તૈયાર કરવા સૌને અનુરોધ કર્યો હતો.
આ સંશોધન કાર્યને સફળ બનાવવા સંસ્થાના કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ વિભાગના સ્વાતિ ગામીત, જિમ્મી મોગરીયા અને તન્વી ભાટીયા સહિતની ટીમે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે