શમીએ ભારતીય ડ્રેસિંગ રૂમમાં મને ઘણી મદદ કરી : મોર્ને મોર્કલ
નવી દિલ્હી, 07 નવેમ્બર (હિ.સ.) ભારતીય ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કલે, ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પ્રશંસા કરતા કહ્યું કે, જ્યારે તેમણે ભારતીય ટીમ સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું, ત્યારે શમીએ ડ્રેસિંગ રૂમમાં તેમને ભા
ફાસ્ટ બોલર મોહમ્મદ શમી


નવી દિલ્હી, 07 નવેમ્બર (હિ.સ.) ભારતીય ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કલે, ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પ્રશંસા કરતા કહ્યું કે, જ્યારે તેમણે ભારતીય ટીમ સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું, ત્યારે શમીએ ડ્રેસિંગ રૂમમાં તેમને ભારતીય ક્રિકેટની કાર્યશૈલી અને વાતાવરણ સમજવામાં ઘણી મદદ કરી હતી. મોર્કલે શમીની નિવૃત્તિને દુઃખદ દિવસ ગણાવ્યો.

દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મોર્કલ, વર્ષ 2024માં મુખ્ય કોચ ગૌતમ ગંભીરના કોચિંગ સ્ટાફના ભાગ રૂપે ભારતીય ટીમ સાથે જોડાયા હતા. જોકે, તેમને ટેસ્ટ ફોર્મેટમાં શમી સાથે કામ કરવાનો મોકો મળ્યો ન હતો, પરંતુ વર્ષ 2025ની શરૂઆતમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન બંનેએ થોડો સમય સાથે વિતાવ્યો હતો. આ ભારતીય જર્સીમાં શમીની છેલ્લી સ્પર્ધા હતી.

પ્રસારણકર્તા સોની સ્પોર્ટ્સ સાથે મેચ પહેલાની વાતચીતમાં મોર્કલે કહ્યું, જ્યારે મેં પહેલીવાર ટીમ સાથે કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે શમી ટીમનો ભાગ હતો. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. તે અત્યંત કુશળ ખેલાડી છે અને ટીમ સાથે ડ્રેસિંગ રૂમમાં તેની હાજરી ઘણી મહત્વની હતી. જ્યારે હું ટીમ સાથે જોડાયો, ત્યારે તેણે ડ્રેસિંગ રૂમમાં મને ભારતીય વાતાવરણ અને અહીંની ભાષા સમજવામાં ઘણી મદદ કરી. તેણે મને ઘણી મદદ કરી. તેને ક્રિકેટમાંથી વિદાય લેતા જોવું દુઃખદ છે.

શમીએ ત્રણેય ફોર્મેટમાં ભારત માટે કુલ 462 આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી. જેમાં ટેસ્ટ ક્રિકેટમાં 229 અને એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 206 વિકેટનો સમાવેશ થાય છે. જોકે, તે બંગાળ માટે મર્યાદિત ઓવરોનું ઘરેલું ક્રિકેટ અને આઈપીએલ રમવાનું ચાલુ રાખશે.

મોર્કલે કહ્યું કે, તેમને એ જોઈને સારું લાગે છે કે શમી હજુ પણ ઘરેલું ક્રિકેટમાં પૂરી મહેનત અને તે જ તીવ્રતા સાથે બોલિંગ કરી રહ્યો છે. તેમણે કહ્યું, મારો મતલબ છે કે તે હજુ પણ ઘરેલું ક્રિકેટમાં ઘણી ઓવર બોલિંગ કરી રહ્યો છે અને તે જોઈને સારું લાગે છે.

36 વર્ષીય શમીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ દ્વારા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તેણે 2013માં વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. પોતાની કારકિર્દીમાં તેણે 64 ટેસ્ટ મેચોમાં 229 વિકેટ લીધી, જેમાં છ વખત એક ઇનિંગ્સમાં પાંચ કે તેથી વધુ વિકેટ લેવાનો પરાક્રમ સામેલ છે.

શમીએ ભારત માટે ઘરેલું અને વિદેશી પરિસ્થિતિઓમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું. ખાસ કરીને વિદેશી મેદાનો પર તેની બોલિંગ નોંધપાત્ર રહી. તેણે 41 વિદેશી ટેસ્ટ મેચોમાં 30.33ની સરેરાશથી 145 વિકેટ લીધી. નવી અને જૂની બંને બોલથી સ્વિંગ તથા સીમ મૂવમેન્ટ મેળવવાની તેની ક્ષમતાએ તેને ભારતીય ફાસ્ટ બોલિંગ આક્રમણનો ભરોસાપાત્ર સભ્ય બનાવ્યો.

શમીએ પોતાની છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2023માં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમી હતી. ઈજાઓને કારણે તેની કારકિર્દીમાં ઘણી વખત અવરોધો આવ્યા, પરંતુ તેણે ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમની સફળતામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande