



ગાંધીનગર, 07 નવેમ્બર (હિ.સ.) ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય અંતર્ગત માય ભારત (MY Bharat), ગાંધીનગર જિલ્લા દ્વારા કડી સર્વ વિશ્વવિદ્યાલયના એસ. કે. પટેલ ઇન્સ્ટિટ્યૂટ, સેક્ટર-23, કડી કેમ્પસ ખાતે ‘વિકસિત ભારત યુવા સંસદ–2026’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 18થી 25 વર્ષની વયજૂથના યુવા સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધા માટે 90થી વધુ યુવાનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. મોટી સંખ્યામાં યુવાનો સ્પર્ધામાં ભાગ લેવા તેમજ સ્પર્ધાને નિહાળવા માટે ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં સંસદીય લોકશાહીની સમજ વિકસાવવાનો, રાષ્ટ્રીય મહત્વના વિષયો અંગે વિચારશીલ ચર્ચા માટે મંચ પૂરો પાડવાનો તથા યુવાનોમાં નેતૃત્વ, વક્તૃત્વ અને તર્કબદ્ધ અભિવ્યક્તિની ક્ષમતાઓને પ્રોત્સાહન આપવાનો હતો. સ્પર્ધામાં સ્પર્ધકોએ ‘વન નેશન, વન ઇલેક્શન’ (એક રાષ્ટ્ર, એક ચૂંટણી) જેવા રાષ્ટ્રીય મહત્વના વિષય પર પોતાના વિચારો, અભિપ્રાયો અને દૃષ્ટિકોણ રજૂ કર્યા હતા.
સ્પર્ધકોએ સંસદીય ચર્ચાની પદ્ધતિ મુજબ વિષયના વિવિધ પાસાઓ પર તર્કબદ્ધ રજૂઆતો કરી લોકશાહી પ્રક્રિયા અંગેની પોતાની સમજ અને જાગૃતિનું પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમમાં માય ભારત ગુજરાતના સ્ટેટ ડાયરેક્ટર સચિન શર્મા તથા આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રેયાંસ સિંહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત માય ભારત ગાંધીનગરનાં જિલ્લા યુવા અધિકારી વર્ષા રોઘાના માર્ગદર્શન અને આયોજન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ યુવા સ્પર્ધકોને પ્રોત્સાહિત કરી આવા મંચ દ્વારા યુવાનોને રાષ્ટ્રીય પ્રશ્નો અંગે પોતાના વિચારો વ્યક્ત કરવાની મળતી તકનું મહત્વ સમજાવ્યું હતું.
સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડૉ. હાર્દી મેદનપર (આસિસ્ટન્ટ પ્રોફેસર, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી), ડૉ. શૈલેષ બ્રહ્મભટ્ટ (આસિસ્ટન્ટ પ્રોફેસર, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી), અભિષેક બારડ, કુંતલ નિમાવત તથા ધર્મેન્દ્રસિંહ રાઠોડે (કડી સર્વ વિશ્વ વિદ્યાલય NSS સેલ) દ્વારા જવાબદારી નિભાવી હતી. નિર્ણાયકોએ સ્પર્ધકોની રજૂઆત, વિષયની સમજ, તર્કશક્તિ, અભિવ્યક્તિ અને સંસદીય ચર્ચાની પદ્ધતિના આધારે મૂલ્યાંકન કર્યું હતું. આ કાર્યક્રમના ભાગરૂપે ‘માય ભારત દિવાળી’ ની પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દ્વારા યુવાનોમાં સામાજિક એકતા, સહભાગિતા, ભાઈચારો અને સામૂહિક આનંદની ભાવનાને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. યુવાનો માટે આ કાર્યક્રમ લોકશાહી જાગૃતિ સાથે સાંસ્કૃતિક ઉત્સવની ઉજવણીનો પણ યાદગાર અવસર બન્યો હતો.
સમગ્ર કાર્યક્રમના આયોજનમાં કડી સર્વ વિશ્વવિદ્યાલય તરફથી NSS પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ધર્મેન્દ્રસિંહ રાઠોડ દ્વારા સંકલન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી દ્વારા કાર્યક્રમના સફળ આયોજન માટે જરૂરી સહયોગ અને વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી હતી.આવા કાર્યક્રમો યુવાનોને માત્ર પોતાના વિચારો રજૂ કરવાની તક જ આપતા નથી, પરંતુ તેમને દેશના નીતિવિષયક પ્રશ્નો અંગે વિચારવા, લોકશાહી મૂલ્યો સમજવા અને જવાબદાર નાગરિક તરીકે રાષ્ટ્રના વિકાસમાં સક્રિય યોગદાન આપવા માટે પણ પ્રેરિત કરે છે. ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં યુવા શક્તિની સક્રિય ભાગીદારી વધારવાના ઉદ્દેશ સાથે આ કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ