દિવાળીએ સુરતના વેપારીની અનોખી ભેટ: 20 કર્મચારીઓને એક લાખથી વધુનું બોનસ આપી કર્યા ખુશ
સુરત, 07 નવેમ્બર (હિ.સ.) સુરતના મોટા વરાછામાં આવેલા મહાદેવ ક્લોથ સેન્ટરના માલિક રામસ્વરૂપ મુંડેએ દિવાળીના અવસરે પોતાના કર્મચારીઓ માટે અનોખી ભેટ આપીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. સામાન્ય રીતે કંપનીઓ કર્મચારીઓને બોનસ તરીકે મીઠાઈ કે કવર આપતી હોય છે
unique Diwali gift from a Surat businessman


સુરત, 07 નવેમ્બર (હિ.સ.) સુરતના મોટા વરાછામાં આવેલા મહાદેવ ક્લોથ સેન્ટરના માલિક રામસ્વરૂપ મુંડેએ દિવાળીના અવસરે પોતાના કર્મચારીઓ માટે અનોખી ભેટ આપીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. સામાન્ય રીતે કંપનીઓ કર્મચારીઓને બોનસ તરીકે મીઠાઈ કે કવર આપતી હોય છે, પરંતુ તેમણે પોતાની દુકાનમાં કામ કરતા 20 કર્મચારીઓને ખાસ અંદાજમાં રોકડ બોનસ આપ્યું હતું. ચાંદીની પૂજાની થાળીમાં ₹10થી લઈને ₹500 સુધીની ચલણી નોટોના બંડલ સજાવીને કર્મચારીઓને એક લાખ રૂપિયાથી વધુનું બોનસ આપવામાં આવ્યું હતું.

આ બોનસ આપવાની રીત પણ એટલી જ ખાસ હતી. વેપારીની પત્નીએ એક પછી એક કર્મચારીઓને થાળીમાંથી નોટોના બંડલ આપ્યા હતા. અચાનક મળેલી આ મોટી ભેટ જોઈને કર્મચારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ખાસ કરીને મહિલા કર્મચારીઓની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. વેપારી રામસ્વરૂપ મુંડેએ જણાવ્યું કે તેમના માટે કર્મચારીઓ માત્ર સ્ટાફ નથી, પરંતુ પરિવારનો એક ભાગ છે. આખું વર્ષ તેમની મહેનતથી વેપાર આગળ વધે છે, ત્યારે તહેવારના સમયે તેમના પરિવારમાં પણ ખુશી હોવી જોઈએ.

દુકાનમાં કામ કરતા રેખા ભલાડાએ જણાવ્યું કે તેમને આટલું મોટું બોનસ મળશે તેવી કલ્પના પણ નહોતી. મળેલી આ રકમથી તેમના ઘર ખરીદવાના સપનાને સાકાર કરવામાં મદદ મળશે. બીજી તરફ, બોનસ આપવાનો આ અનોખો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો વેપારીની ઉદારતાના વખાણ કરી રહ્યા છે, તો કેટલાક યુઝર્સ મજાકમાં કહી રહ્યા છે કે આવી જગ્યાએ જ નોકરી કરવી છે. સુરતના આ વેપારીએ કર્મચારીઓ પ્રત્યેનો સ્નેહ અને કદર વ્યક્ત કરીને સૌનું દિલ જીતી લીધું છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande