
જામનગર, 28 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને વલ્લભપુર પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે લાલપુર તાલુકાની મોટા ખડબા પ્રાથમિક શાળા ખાતે કવિ સંમેલન યોજાયું હતું. માતૃભાષા સપ્તાહ અંતર્ગત 'માતૃભાષા 2026 મળી માતૃભાષા' અને 'ગુજરાતી આવો કરીએ માતૃભાષાનું મહિમા' થીમ હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સંમેલનમાં કવિ હસમુખ માકડીયા, દિનેશ જોશી અને વિશાલ દવેએ વિવિધ કવિતાઓ, ગઝલો, હાસ્ય રચનાઓ તેમજ બાળસાહિત્ય સભર કૃતિઓ રજૂ કરી હતી.આ કાર્યક્રમની પ્રેરણા ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના અધ્યક્ષ ડો. ભાગ્યેશ જ્હા અને મહામંત્રી ડો. જયેન્દ્રસિંહ જાદવ દ્વારા પૂરી પાડવામાં આવી હતી. માતૃભાષા પ્રત્યે પ્રેમ, ગૌરવ અને સંસ્કૃતિનું સંવર્ધન થાય તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમના સમાપન સમયે ગુજરાતી ભાષાના સંરક્ષણ અને પ્રચાર માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ડેપ્યુટી મામલતદાર બ્રિજેશ કણસાગરા, સરપંચ એસોસિએશનના પ્રમુખ જયેન્દ્રસિંહ જાડેજા, મોટા ખડબા ગામના સરપંચ ગાયત્રીબા જાડેજા, કવિ જયપ્રકાશ સંતોકી, સામાજિક કાર્યકર રમેશ ડાંગર, કવિ કમલેશ ગઢીયા અને કાવ્ય રસિક મહેશ મીયાત્રા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન ચેતનકુમાર આણંદીપા દ્વારા કરવામાં આવ્યું હતું
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt