
ભાવનગર 28 ફેબ્રુઆરી (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ સ્થિત મંડળ રેલવે હોસ્પિટલ (DRH), ભાવનગર દ્વારા તારીખ 28 ફેબ્રુઆરી, 2026 (શનિવાર)ના રોજ હોસ્પિટલ પરિસરમાં મંડળના અધિકારીઓ માટે વિશેષ આરોગ્ય તપાસ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરનો મુખ્ય હેતુ અધિકારીઓમાં નિવારક આરોગ્ય સંભાળને પ્રોત્સાહન આપવો, જીવનશૈલી સંબંધિત રોગોની સમયસર ઓળખ કરવી તેમજ નિયમિત તબીબી સલાહ દ્વારા તેમના સર્વાંગી આરોગ્ય અને કાર્યક્ષમતાને મજબૂત બનાવવાનો હતો.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક ન જણાવ્યા મુજબ આજની વ્યસ્ત અને તણાવસભર જીવનશૈલી, અનિયમિત દૈનિક ક્રમ તેમજ કાર્યસ્થળના દબાણને કારણે ઉચ્ચ રક્તચાપ, ડાયાબિટીસ, હૃદયરોગ અને સ્થૂલતા જેવી જીવનશૈલી સંબંધિત બીમારીઓનું જોખમ સતત વધી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં આ પ્રકારની આરોગ્ય તપાસ શિબિરો સંભવિત રોગોની પ્રાથમિક ઓળખ તથા સમયસર સારવાર સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
શિબિર દરમિયાન અપર મંડળ રેલ પ્રબંધક ઋત્વિક શર્મા સહિત અન્ય અધિકારીઓને વિવિધ આરોગ્ય સેવાઓ આપવામાં આવી હતી, જેમાં બ્લડ પ્રેશર (બીપી) તપાસ, આવશ્યક બ્લડ ટેસ્ટ, BMI અને વજનનું મૂલ્યાંકન, સામાન્ય તબીબી પરામર્શ તેમજ નિવારક આરોગ્ય અને સ્વસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ ઉત્સાહપૂર્વક શિબિરમાં ભાગ લીધો અને મેડિકલ વિભાગની આ પ્રશંસનીય પહેલની સરાહના કરી.
શિબિરનું સંચાલન મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગરના મંડળ તબીબી અધિકારી તથા એમ.ડી. ફિઝિશિયન ડૉ. પ્રતીક વોરાના તબીબી માર્ગદર્શન હેઠળ તેમની સમર્પિત તબીબી ટીમ દ્વારા સુવ્યવસ્થિત અને કાર્યક્ષમતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ મુખ્ય તબીબી અધિક્ષક ડૉ. મનોજ કુમારના સર્વાંગી માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યો હતો, જેમના નેતૃત્વ અને સહકારથી શિબિરનું સફળ અમલીકરણ શક્ય બન્યું હતું. સાથે જ એ.એન.ઓ., ભાવનગર દ્વારા સમગ્ર કાર્યક્રમનું અસરકારક સંકલન અને વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.
ભાવનગર મંડળ રેલવે હોસ્પિટલ પ્રશાસને ભવિષ્યમાં પણ આ પ્રકારના આરોગ્ય જાગૃતિ અને નિવારક તબીબી કાર્યક્રમોનું આયોજન ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, જેથી અધિકારીઓ અને કર્મચારીઓના આરોગ્ય અને કલ્યાણને સતત પ્રોત્સાહન મળી શકે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ