
બોટાદ, 28 ફેબ્રુઆરી (હિ.સ.)બોટાદ જિલ્લામાં આવેલ શ્રી સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શનિવારે દાદાને વિશેષ અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. ધુળેટીનો પર્વ નજીક આવતો હોવાથી દાદાને કેસુડાના ફૂલોથી બનેલા દિવ્ય શણગાર પહેરાવવામાં આવ્યા હતા, જેને કારણે મંદિર પરિસરમાં ભક્તિમય અને રંગબેરંગી વાતાવરણ છવાઈ ગયું હતું.કેસુડાના પ્રાકૃતિક કેસરિયા રંગથી સજાવટ કરાયેલા દાદાના સિંહાસનને વિશેષ રીતે શોભાયમાન બનાવવામાં આવ્યા હતા. મંદિર પરિસરમાં સર્વત્ર ફૂલોની સજાવટ, આલોકસજ્જા અને સુગંધિત વાતાવરણથી ભક્તો આનંદિત થઈ ગયા હતા. દાદાના દર્શન માટે હજારો ભક્તો દૂર દૂરથી ઉમટી પડ્યા હતા અને લાંબી કતારો લાગી હતી.આ વિશેષ પ્રસંગે ધાણી, ખજૂર અને દાળિયા સહિત વિવિધ પ્રસાદીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. ભક્તોએ શ્રદ્ધાભાવે પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ધુળેટી પર્વને આવકારવા આ શણગાર ખાસ રાખવામાં આવ્યો હોવાનું મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયું હતું.દર વર્ષે તહેવારો નિમિત્તે દાદાને વિવિધ પ્રકારના શણગાર કરવામાં આવે છે, જે ભક્તોમાં વિશેષ આકર્ષણ જગાવે છે. કેસુડાના નો દિવ્ય શણગાર ધુળેટીના પ્રતિકરૂપ તરીકે માનવામાં આવે છે, જે પ્રકૃતિના રંગો અને આનંદનું પ્રતિબિંબ છે.આ પ્રસંગે સમગ્ર મંદિર પરિસર ભક્તિરસથી ઓતપ્રોત બની ગયું હતું અને ભક્તોએ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT