
જામનગર, 28 ફેબ્રુઆરી (હિ.સ.) :
જામનગર જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા આગામી તા.14-03-2026નાં રોજ નેશનલ લોક અદાલત યોજવામાં આવશે. જિલ્લાની તમામ કોર્ટમાં ફોજદારી સમાધાનપાત્ર કેસ, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ કલમ 138 મુજબના ચેકનાં કેસ, બેંક રીકવરી દાવા, એમ.એ.સી.પી.નાં કેસ, લેબર તકરારના કેસ, લગ્ન વિષયક તકરારના કેસ, વીજળી અને પાણી બિલ (સમાધાન પાત્ર ન હોય તે સિવાયના) કેસ, કૌટુંબિક તકરારના કેસ, જમીન સંપાદનના કેસ, સર્વિસ મેટરના પે અને એલાઉન્સીસ અને નિવૃતિના લાભના કેસ, રેવન્યુ કેસ (ડીસ્ટીકટ કોર્ટ અને હાઈકોર્ટમાં પેન્ડીંગ હોય તે જ, અન્ય સીવીલ કેસ (ભાડુઆત, સુખાધિકાર હકક, મનાઈ હુકમના દાવા, વગેરે કેસોનો સમાવેશ થશે.
જિલ્લાની જાહેર જનતા તથા પક્ષકારો તેઓના ઉપરોકત જણાવેલ પેન્ડીંગ કેસોમાં સમાધાનથી તકરારનું નિરાકરણ કરવા, તેઓના વકીલ મારફતે જે તે કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય તે કોર્ટને કેસ લોક અદાલતમાં મુકવા સંપર્ક કરી શકશે. લોક અદાલત તકરારના સમાધાન માટે એક સુખદ નિવારણમાં ફોરમ છે. જેમાં પક્ષકાર સમાધાનથી કેસનો નિકાલ લાવી શકે છે અને તેનાથી પક્ષકારને ઝડપી ન્યાય મળી શકે છે.
વધુમાં લોક અદાલતના માઘ્યમથી કેસમાં સમાધાન કરવાથી લોકોને આર્થિક નુકશાની અને સમયની બચત થાય છે. લોક અદાલત અંગે કોઈપણ માહિતી મેળવવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ-જામનગરનો ફોન નં. 0288-2550106 ઉપર સંપર્ક કરવો, તેમજ દરેક જિલ્લા/તાલુકા કક્ષાની કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય તે કોર્ટનો સંપર્ક કરવા કરવા જણાવાયું છે.
ગત લોક અદાલતમાં 6933 કેસમાં સમાધાનજામનગર જિલ્લામાં ગત તા.13 સપ્ટેમ્બરના રોજ નેશનલ લોક અદાલત યોજાઈ હતી. જેમાં 14,865 કેસો મુકવામાં આવ્યા હતા. જેમાંથી 6933 કેસમાં સમાધાન થયું હતું, અને કુલ 16 કરોડ 96 લાખના સેટલમેન્ટ થયા હતા. જેનાથી ફરિયાદી અને આરોપીઓને ફાયદો થયો હતો. સાથે-સાથે અદાલતોમાં કેસમાં પણ ભારણ ઘટ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt