
નવસારી, 28 ફેબ્રુઆરી (હિ.સ.): નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડમાં રહેતા એક પ્રોડક્શન મેનેજર સાથે સાયબર ઠગાઈની ગંભીર ઘટના બની છે. અજાણ્યા નંબર પરથી મળેલા મેસેજમાં RTO ચલણ બાકી હોવાનું કહી લિંક મોકલવામાં આવી હતી. આ લિંક પર ક્લિક કરતાં જ તેમના મોબાઈલમાં ઘૂસણખોરી થઈ અને વોટ્સએપ પર પણ હેકર્સે કાબૂ મેળવી લીધો.
માહિતી મુજબ, કર્ણાટકના મૂળ રહેવાસી સિદ્ધરામ કાંતપ્પા હત્ની (39)ને 24 જાન્યુઆરીએ તેમની કાર માટે ₹3,800નું ચલણ બાકી હોવાનું જણાવી APK ફાઈલવાળી લિંક મોકલાઈ હતી. લિંક ખોલ્યા પછી તેમના વોટ્સએપના ડીપીમાં ‘M Parivahan’નો લોગો દેખાવા લાગ્યો, જેનાથી હેકિંગની શંકા ઊભી થઈ. તેમણે એપ ફરી ઇન્સ્ટોલ કરવાનો પ્રયાસ કર્યો છતાં સમસ્યા યથાવત રહી.
થોડા દિવસો પછી, 26 જાન્યુઆરીએ, તેમના મોબાઈલ પર બેંક ખાતામાંથી રૂપિયા કપાયા હોવાના મેસેજ આવવા લાગ્યા. તપાસમાં જાણવા મળ્યું કે અલગ-અલગ બેંક ખાતાઓમાંથી કુલ ₹2,06,900ની રકમ ઠગોએ ટ્રાન્સફર કરી લીધી હતી. વિવિધ નામે થયેલી આ ટ્રાન્ઝેક્શનમાં મોટી રકમ એકથી વધુ હપ્તામાં ઉપાડી લેવામાં આવી હતી.
ઘટના બાદ પીડિતે તરત જ બેંકના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી ખાતા બ્લોક કરાવ્યા અને સાયબર હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાવી. નવસારી સાયબર ક્રાઈમ પોલીસે અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. પોલીસે લોકોને ચેતવણી આપી છે કે કોઈપણ અજાણી લિંક અથવા APK ફાઈલ પર ક્લિક ન કરે અને સરકારી દંડ હંમેશા સત્તાવાર વેબસાઈટ દ્વારા જ ચકાસે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે