

પોરબંદર, 28 ફેબ્રુઆરી (હિ.સ.)પોરબંદર શહેરમાં રસ્તાઓ પર રખડતા ઢોરના કારણે ટ્રાફિકમાં અવરોધ અને અકસ્માતની શક્યતા ઉભી થતી હોવાને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકા દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
કમિશનર તથા નાયબ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન અને સુચનાનુસાર સેનિટેશન ઓફિસર જગદીશ ઢાંકીના નેતૃત્વ હેઠળ મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરના કડીયાપ્લોટ વિસ્તારમાં વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન રસ્તાઓ પર રખડતા કુલ 12 ઢોરને પકડીને મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળા ખાતે સલામત રીતે રાખવામાં આવ્યા છે. આ કામગીરી દરમિયાન મહાનગરપાલિકાની ટીમ દ્વારા ટ્રાફિકમાં અવરોધ ન થાય તે માટે પોલીસ તંત્રનો પણ સહકાર લેવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા ઢોર માલિકોને ખાસ સૂચના આપવામાં આવે છે કે તેઓએ પોતાના ઢોરને ખુલ્લા રસ્તાઓ પર છોડી ન દેવા, જો ઢોર રસ્તા પર રખળતા જોવા મળશે તો મહાનગરપાલિકા દ્વારા તેમને પકડીને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમજ નિયમ મુજબ દંડ વસૂલવામાં આવશે. શહેરને સ્વચ્છ, સુરક્ષિત અને ટ્રાફિક સમસ્યાથી મુક્ત બનાવવા માટે આવનારા દિવસોમાં પણ આવી કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે તેમ મહાનગરપાલિકા તંત્ર દ્વારા જણાવાયું છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya