
જામનગર, 28 ફેબ્રુઆરી (હિ.સ.) જામનગર જિલ્લા માહિતી કચેરી ખાતે સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતી માનસી ધારવીયાએ પોતાની અવિરત મહેનત અને દૃઢ સંકલ્પના બળ પર નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. તાજેતરમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી P.S.I. (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) પરીક્ષા પાસ કરીને, એક જ વર્ષમાં 4 સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરીને અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.માનસીની સિદ્ધિ એટલા માટે વિશેષ ગણાય છે કે છેલ્લા માત્ર એક જ વર્ષના ગાળામાં તેમણે લેબ ટેકનિશિયન, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને હવે P.S.I. સહિત કુલ ચાર મહત્વપૂર્ણ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરી છે. નોકરીની વ્યસ્ત જવાબદારીઓ વચ્ચે પણ તેમણે અભ્યાસમાં કોઈ કચાશ રાખી નહોતી અને સતત પ્રયત્નોથી આ મક્કમ સ્થાન મેળવ્યું છે. તેમની આ સફળતા યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત સમાન બની છે. સતવારા સમાજ, પરિવારજનો અને મિત્ર વર્તુળ દ્વારા માનસી ધારવીયાની આ સિદ્ધિને બિરદાવી રહ્યા છે. મહેનત, લગન અને આત્મવિશ્વાસથી કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે તેનો જીવંત દાખલો માનસી બની છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt